દેશના અનેક શહેરોમાં ગરમીનો પારો ૪૭થી ૫૦ ડિગ્રી સુધી પહોંચ્યો :પાકિસ્તાનમાં પણ હાહાકાર મચાવ્યો
બીજી તરફ મેઘાલયમાં ભારે વરસાદથી બેનાં મોત:ઝારખંડમાં પણ વરસાદી ઝાપટાં :કેરળમાં વરસાદની શક્યતા હોવાથી એલર્ટ જારી કરાયો
નવી દિલ્હી : દેશના ભારતના અસંખ્ય શહેરોમાં તાપમાનનો પારો ૪૭થી ૫૦ ડિગ્રી સુધી પહોંચી જતાં હાહાકાર મચી ગયો હતો. ભારત ઉપરાંત પાકિસ્તાનમાં પણ આકરા તાપથી કાળો કેર વર્તાયો હતો. બીજી તરફ મેઘાલયમાં ભારે વરસાદથી બેનાં મોત થયા હતા. ઝારખંડમાં પણ વરસાદી ઝાપટાં નોંધાયા હતા. કેરળમાં વરસાદની શક્યતા હોવાથી એલર્ટ જારી કરાયો છે. પાટનગર દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણાં શહેરો આકરા તાપમાં ભઠ્ઠી બન્યા હતા. દિલ્હીમાં તાપમાનનો પારો ૪૭ ડિગ્રીએ પહોંચી ગયો હતો. મંગેશપુરમાં ૪૭, પિતમપુરમાં ૪૫.૮, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ૪૬.૯, ઝફરપુરમાં ૪૫ ડિગ્રી તાપમાન દર્જ થયું હતું. હવામાન વિભાગે ઉત્તર ભારતમાં ઓરેન્જ, યલ્લો અને રેડ એલર્ટ જારી કર્યો છે. દિલ્હીમાં ભારે ગરમી વચ્ચે પાણીની કટોકટી શરૃ થઈ છે. હરિયાણામાંથી પાણી ન છોડાતા, તેમ જ યમુનામાં પૂરતો જથ્થો ન હોવાથી દિલ્હીના ઘણાં વિસ્તારમાં પૂરતું પાણી મળ્યું ન હતું. |