મુખ્ય સમાચાર
News of Tuesday, 15th June 2021

ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી તરીકે અવિનાશ પાંડેને અપાય શકે છે જવાબદારી : મોહન પ્રકાશનું નામ પણ ચર્ચામાં

પ્રભારી પસંદગીમાં અશોક ગેહલોતની હશે મહત્વપૂર્ણ ભૂમિકા : અઠવાડિયાના અંત સુધીમાં લેવાઈ શકે છે નિર્ણય

નવી દિલ્હી: આગામી વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. રાજીવ સાતવના અવસાન બાદ અત્યાર સુધી ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે કોઈની નિમણૂંક કરવામાં આવી નથી. ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે અવિનાશ પાંડેને જવાબદારી સોંપવામાં આવી શકે છે જો કે ગુજરાતમાં કોંગ્રેસના જે પણ પ્રભારી હશે, તે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના વિશ્વાસું અને નિકટના હોઈ શકે છે. પાંડેની સાથે-સાથે મોહન પ્રકાશના નામની પણ ચર્ચા ગુજરાતના પ્રભારી તરીકે થઈ રહી છે. આ અઠવાડિયાના અંત સુધીમાં ગુજરાતના કોંગ્રેસ પ્રભારીના નામ પર અંતિમ મહોર  લાગી શકે છે

 અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં જ્યારે અશોક ગહેલોત ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા, ત્યારે કોંગ્રેસે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં પણ ગહેલોતની મહત્વની ભૂમિકા હોઈ શકે છે.

  ગુજરાતમાં બે દાયકાથી વધારે સમયથી સત્તાથી દૂર કોંગ્રેસને સફળતા આપવાની જવાબદારી ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને સોંપવામાં આવી શકે છે. ગુજરાતમાં આગામી વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે

(6:41 pm IST)