મુખ્ય સમાચાર
News of Tuesday, 15th June 2021

અદાણી ગ્રુપ વિરુદ્ધ ઇડીની તપાસ કરવા ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની માંગ

મોદી સરકાર અને તપાસ અધિકારીઓ પર સવાલ ઉઠાવતા નિશાન સાધ્યું

નવી દિલ્હી: અદાણી ગ્રુપની કંપનીઓના શેર 20 ટકા તૂટ્યા છે. આ કંપનીઓમાં રોકાણ કરનારા ત્રણ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI)ના એકાઉન્ટ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) દ્વારા ફ્રિઝ કરી દેવામાં આવ્યા. આરોપ છે કે, મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત કેટલીક જરૂરી વિગતો છૂપાવવામાં આવી હતી. એ નહતું જણાવાયું કે, અસલી માલિકી હક્ક કોનો છે?

  હવે ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ માંગ કરી છે કે, અદાણી ગ્રુપ વિરુદ્ધ તપાસ થવી જોઈએ. તેમણે પ્રવર્તન નિર્દેશાલય (ED)ને આ મામલે તપાસ કરવાની માંગ કરી છે. આ સાથે જ તેમણે મોદી સરકાર અને તપાસ અધિકારીઓ પર સવાલ ઉઠાવતા નિશાન સાધ્યું છે. સ્વામીએ કહ્યું છે કે, તપાસ કરાવતા પહેલા વડાપ્રધાન મોદીએ જે-તે ઑફિસરોનું બેક ગ્રાઉન્ડ ચકાસવું જોઈએ. ભાજપ સાંસદે અદાણીને ટ્રપીઝ આર્ટિસ્ટ ગણાવ્યા છે

 અત્રે ઉલ્લેખનીય છે કે, NSDLએ ત્રણ FPI એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. જેમાં અલબુલા ઈન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ અને APMS ઈન્વેસ્ટમેન્ટ ફંડ સામેલ છે. અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસમાં તેમની ભાગીદારીની વેલ્યુ લગભગ 43,500 કરોડ રૂપિયા છે.

એકાઉન્ટ ફ્રીઝ કરવાનો અર્થ એ થયો કે, આ ફંડથી કોઈ નવા શેર ખરીદી શકાય છે અને ના તો પોતાની પાસે રહેલા શેર વેચી શકાય છે. કસ્ટોડિયન આવા કેસોમાં પહેલા FPIને ચેતવણી આપે છે, પરંતુ આમ છતાં તેઓ યોગ્ય પગલાં ના ભરે ત્યારે એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ મુજબ, ત્રણેય FPI મોરીશસની રાજધાની પોર્ટ લૂઈના એક જ સરનામાં પર રજિસ્ટર્ડ થયેલી છે. જેની કોઈ વેબસાઈટ પણ નથી. આ ત્રણેયનું હોલ્ડિંગ અદાણી એન્ટરપ્રાઈઝમાં 6.82 ટકા, અદાણી ગ્રીન એનર્જીમાં 3.58 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 8.03 ટકા અને અદાણી ટોટલ ગેસમાં 5.92 ટકા છે. આ હોલ્ડિંગની વર્તમાન માર્કેટ વેલ્યુ (શેર તૂટ્યા પહેલા) 43,500 કરોડ રૂપિયા છે

(6:35 pm IST)