મુખ્ય સમાચાર
News of Wednesday, 15th June 2022

કશ્‍મીરમાં બૅન્‍ક મેનેજરના હત્‍યારા સહિત ૨ આતંકીઓ ઠાર

૧૩ દિવસમાં લીધો બદલો :શોપિયામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્‍ચેની અથડામણમાં બે આતંકીઓ ઠાર થયા છે

જમ્‍મુ, તા.૧૫: કશ્‍મીરમાં તાજેતરના ટાર્ગેટ કિલિંગ દરમિયાન એક બેંક મેનેજરની હત્‍યા કરનાર આતંકવાદી સહિત લશ્‍કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને મંગળવારે મોડી રાત્રે એક એન્‍કાઉન્‍ટર દરમિયાન સુરક્ષા દળોએ શોપિયાંમાં ઠાર માર્યા હતા. જમ્‍મુ-કશ્‍મીર પોલીસે આ અંગે માહિતી આપી હતી.કશ્‍મીર ઝોનની પોલીસે ટ્‍વિટ કરીને કહ્યું કે માર્યા ગયેલા બંને આતંકવાદીઓ લશ્‍કર સાથે સંકળાયેલા છે અને તેમની ઓળખ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ ઓપરેશન જમ્‍મુ-કશ્‍મીર પોલીસ અને સેનાના સંયુક્‍ત ઓપરેશન હેઠળ કરવામાં આવ્‍યું હતું.

કશ્‍મીર પોલીસ દ્વારા કરવામાં આવેલા અન્‍ય એક ટ્‍વિટમાં કહેવામાં આવ્‍યું છે કે - એક આતંકીની ઓળખ શોપિયાંના જાન મોહમ્‍મદ તરીકે થઈ છે. તે અન્‍ય આતંકી ઘટનાઓ સિવાય ૨ જૂને કુલગામમાં એક બેંક મેનેજરની હત્‍યામાં પણ સામેલ હતો. ઉલ્લેખનીય છે કે, વિજય કુમાર રાજસ્‍થાનના હનુમાનગઢનો રહેવાસી હતો. કાશ્‍મીરના કુલગામમાં ડ્‍યુટી જોઇન કર્યા બાદ ૨ જૂને આતંકીઓએ તેની ગોળી મારીને હત્‍યા કરી દીધી હતી. ત્‍યાં લગાવેલા કેમેરામાં જોવા મળ્‍યું કે એક આતંકવાદી બેંકમાં ઘૂસી ગયો હતો અને બેંક મેનેજરને ગોળી મારી હતી.

બેંક મેનેજરની હત્‍યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્‍યો હતો. તાજેતરના સમયમાં ઘાટીમાં ટાર્ગેટ કિલિંગની ઘણી ઘટનાઓ સામે આવી છે. છેલ્લા વર્ષથી ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ સામે આવી રહી છે અને પરપ્રાંતિય મજૂરો અને સ્‍થાનિક લઘુમતીઓને સતત નિશાન બનાવવાના અહેવાલો છે.

(10:52 am IST)