સ્વતંત્રતા દિવસની ભારત સહિત વિદેશનાં ખેલાડીઓએ પણ ઉજવણી કરી
વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ડેરેન સેમીએ સ્વતંત્રદિનની શુભકામના પાઠવી : ઘણા ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર પોતાનો પ્રોફાઈલ ફોટો પણ બદલીને તેમાં ત્રિરંગો લગાવ્યો
નવી દિલ્લી તા.15 : દેશ આજે સ્વતંત્રતા દિવસનો જશ્ન મનાવી રહ્યો છે. સમગ્ર દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો છે. સ્વતંત્રતા દિવસની દેશ-વિદેશમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે આ ઉજવણીમાં વિદેશી ક્રિકેટરોએ પણ ભાગ લીધો છે. અને ભારતને તેમના ભારતીય ટીમને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી છે.
ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર સહિત ઘણા વિદેશી ખેલાડીઓએ ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. આ તમામ ખેલાડીઓ આઈપીએલ દ્વારા ભારતમાં ખૂબ પ્રખ્યાત થયા છે અને તેમને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. ભારતે તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે અને આઝાદીના અમૃતની ઉજવણી કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચી પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને દેશના ખૂણે ખૂણે ત્રિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે. આ ઉજવણીમાં ક્રિકેટરો પણ જોડાયા છે અને ચાહકોને અભિનંદન આપી રહ્યા છે. ખાસ વાત એ છે કે વિદેશી ક્રિકેટરો પણ ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે ઈન્સ્ટાગ્રામ દ્વારા ભારતીય પ્રશંસકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. ડેવિડ વોર્નરે લખ્યું કે ભારતમાં હાજર તમામ મિત્રો અને પરિવારના સભ્યોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા.