મુખ્ય સમાચાર
News of Wednesday, 15th September 2021

તાલિબાની ડ્રેસકોડનો વિરોધ :અફઘાન મહિલાઓએ હિંમતભેર ફેશનેબલ કપડા પહેરેલા ફોટોસ શેર કર્યા

અફઘાન સંસ્કૃતિ માટે આ ડ્રેસકોડ છે વિદેશી : પરંપરાગત પોશાક સાથે અફઘાન મહિલાઓએ કર્યો તાલિબાનનો વિરોધ

કાબુલ :તાલિબાનો દ્વારા હાલ એવી જાહેરાત કરવામાં આવી છે કે, મહિલાઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકશે પરંતુ, તેમને પુરૂષો સાથે બેસીને શિક્ષણ મેળવવાની મંજૂરી તેમને નહિ મળે. આ ઉપરાંત તાલિબાનોએ મહિલાઓ માટે એક વિશેષ ડ્રેસકોડ પણ બહાર પાડ્યો છે. આ બંને શરતોના પાલન સાથે જ તાલિબાન મહિલાઓને અભ્યાસ માટે મંજૂરી આપશે.

જોકે, તાલિબાનનો વિરોધ કરવા માટે હવે અફઘાન મહિલાઓ હિંમતભેર આગળ આવી રહી છે અને ફેશનેબલ કપડા પહેરેલા પોતાના ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે.

અફઘાનિસ્તાનમાં અમેરિકન યુનિવર્સિટીની પૂર્વ પ્રોફેસર બહાર જલાલીએ એક અભિયાનની શરૂઆત કરી હતી અને હાલ અફઘાન મહિલાઓનો એક ખુબ જ મોટો સમૂહ તેમની સાથે જોડાયો છે. હાલ, આ અફઘાન મહિલાઓ પોતાને અનુકૂળ પોશાકમાં સોશિયલ મીડિયા પર પોતાના ફોટોગ્રાફ શેર કરી રહી છે.

કાબુલની એક યુનિવર્સિટીમાં તો મહિલાઓએ કાળા રંગનો પોશાક પહેરીને તાલિબાનના ઝંડા સાથે ફોટોસ પાડી વિરોધ નોંધાવ્યો હતો. પ્રોફેસર બહાર જલાલીએ આ સમગ્ર ઘટના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, તાલિબાન જે પ્રકારના પોશાક પહેરવા માટેનો આદેશ આપી રહ્યુ છે, તેવા પોશાક આજ સુધી કોઈપણ મહિલાએ પહેર્યા નથી.

અફઘાન સંસ્કૃતિ માટે આ પ્રકારનો પોશાક વિદેશી પોશાક છે. હાલ તાલિબાન દ્વારા અફઘાન મહિલાઓ પર કરવામાં આવી રહેલી તાનાશાહીનો અફઘાન મહિલાઓ ભરપૂર વિરોધ કરી છે. અફઘાન મહિલાઓ પોતાને અનુકૂળ પરંપરાગત પોશાકમાં ફોટો પાડીને સોશિયલ મીડિયા પર તેને અપલોડ કરી રહી છે. 

(9:49 pm IST)