મુખ્ય સમાચાર
News of Wednesday, 15th September 2021

ભૂલથી એકાઉન્ટમાં આવી ગયા સાડા પાંચ લાખ રૂપિયા : પાછા આપવા કર્યો ઇન્કાર : કહ્યું --'મોદીજીએ આપ્યા છે'

પોલીસે એની ધરપકડ કરી હતી અને જેલમાં જવું પડયું હતું.

બિહારમાં એક વ્યક્તિના ખાતામાં સાડા પાંચ લાખ રૂપિયા આવી ગયા. આ વ્યક્તિ એમ વિચારીને એટલો બધો ખુશ થઈ ગયો કે પ્રધાનમંત્રી મોદીએ તેના ખાતામાં સાડા પાંચ લાખ રૂપિયા મોકલી આપ્યા છે. ત્યારબાદ એની ખુશીનું ઠેકાણું નહોતું અને આ ખુશીને કારણે એણે બધા જ રૂપિયા વાપરી નાખ્યા અને આ કારણે પોલીસે એની ધરપકડ કરી હતી અને જેલમાં જવું પડયું હતું.

ખરેખર આ અજીબો ગરીબ ઘટના ખગડિયા જિલ્લામાં ઘટી હતી. અહીં એક બેંકના ગ્રાહક રંજીત દાસના ખાતામાં અચાનક સાડા પાંચ લાખ રૂપિયા જમા થઈ ગયા હતા. જેથી આ વ્યક્તિને લાગ્યું કે પ્રધાનમંત્રી  મોદીએ એના એકાઉન્ટમાં સાડા પાંચ લાખ રૂપિયા મોકલી આપ્યા છે. એમણે કહ્યું કે વડાપ્રધાને વચન આપ્યું હતું કે તેઓ દરેક વ્યક્તિના ખાતામાં રૂપિયા મોકલશે. આ વિચારીને એ ખૂબ ખુશ થઈ ગયા હતા અને તેમણે આ રકમ ઉપાડીને ખર્ચ પણ કરી નાખ્યા પરંતુ આખી ઘટના કંઈક અલગ જ નિકળી.

જાણકારી અનુસાર બેંક દ્વારા ભૂલમાં વ્યક્તિ રંજીત દાસના ખાતામાં સાડા પાંચ લાખ રૂપિયા મોકલી આપ્યા હતા. બેંકને જ્યારે પોતાની ભૂલ સમજાઈ ત્યારે એમણે રંજીત દાસને સાડા પાંચ લાખ રૂપિયા પાછા જમા કરવા માટે જણાવ્યું હતું પરંતુ આ ખાતાધારક દ્વારા એમ કહેવામાં આવ્યું કે એણે એ રકમ એમ સમજીને વાપરી નાખી છે કે આ સાડા પાંચ લાખ રૂપિયા વડાપ્રધાન મોદીએ એમને મોકલી આપી છે અને આ રકમ તેઓ પાછી જમા નહીં કરાવે. બેંક દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં જ્યારે આ રકમ જમા કરાવવામાં ન આવી તો બેંકે એફઆઈઆર દાખલ કરાવી હતી.

ત્યારબાદ માનસી પોલીસ દ્વારા રંજીત દાસની ધરપકડ કરવામાં આવી હતી. આ વ્યક્તિ નજીક આવેલા બખ્તિયારપૂર નામના ગામના રહેવાસી છે અને માનસી પોલીસ સ્ટેશનના અધિકારી દીપકકુમારે જણાવ્યું હતું કે ગ્રામીણ બેંક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ધરપકડ કરીને રંજીત દાસને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આરોપીના ગામના રહીશોએ જણાવ્યું હતું કે જ્યારે તેમને આ પૈસા બાબતે રંજીત દાસ દ્વારા જાણકારી મળી હતી, ત્યારે એમણે આ સૂચના બેંકને આપવી જોઈએ એવું જણાવ્યું હતું કે આ પૈસા બેંકની ભૂલને કારણે એના ખાતામાં આવ્યા હશે.

(12:46 am IST)