મુખ્ય સમાચાર
News of Wednesday, 15th September 2021

કેન્દ્ર સરકાર તૈયાર કરી રહી છે એક વિશેષ યોજના

કોરોનાના કારણે અનાથ થયેલા બાળકોને મળશે ૪૦૦૦ની માસિક સહાય

નવી દિલ્હી, તા.૧૫: કેન્દ્ર સરકાર હાલ કોરોનાને કારણે માતા-પિતા ગુમાવનારા બાળકોના માસિક સ્ટાઇપેન્ડને ૨ હજાર રૂપિયાથી વધારીને ૪ હજાર રૂપિયા કરવાની યોજના બનાવી રહી છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ આજ રોજ જણાવ્યું હતું કે, આવનાર સમયમાં જ આ અંગેનો પ્રસ્તાવ કેબિનેટને મંજૂરી માટે મોકલી શકાય છે.

એક અહેવાલ મુજબ અધિકારી સાથે વાતચીત દરમિયાન દરમિયાન એ જાણવા મળ્યું કે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે માસિક સ્ટાઇપેન્ડ ૨ હજારથી વધારીને ૪ હજાર રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂકયો છે. સરકારે આ સહાય યોજના અંગે મે મહિનામાં જાહેરાત કરી હતી કે, કોરોનાને કારણે માતાપિતા ગુમાવનારા બાળકોને પીએમ-કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ સહાય આપવામાં આવશે.

મંત્રાલયના આ આંકડા મુજબ આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૩,૨૫૦ જેટલી અરજીઓ મળી આવી છે, જેમાંથી ૬૬૭ જેટલી અરજીઓ જે-તે જિલ્લા સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિનંતી કરી હતી કે, કોરોના રોગચાળાને કારણે માતાપિતા ગુમાવનારા બાળકોની ઓળખ કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને નિર્દેશ આપવામાં આવે.

તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ ઇન્દેવર પાંડેએ જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ અરજીઓ કરવા માટે, આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે અને આ યોજના હેઠળ આવતા બાળકોની ઓળખ માટે એક વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, 'હું તમને વિનંતી કરીશ કે તમે તમારા રાજયના જિલ્લા મેજિસ્ટ્રેટને આ યોજના હેઠળ સહાય મેળવવા માટે લાયક બાળકોની વિગતો આપો, જેથી તેમને તાત્કાલિક સહાય મળી શકે. મંત્રાલયે આ હેતુ માટે એક હેલ્પ ડેસ્ક પણ ખોલ્યું છે. મંત્રાલયના અધિકારીએ જિલ્લા મેજિસ્ટ્રેટો, પોલીસ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, ચાઇલ્ડલાઇન અને નાગરિક સમાજ સંગઠનોની મદદથી આ બાળકોની ઓળખ માટે એક ઝુંબેશ શરૂ કરવા જણાવ્યું છે.

(9:56 am IST)