મુખ્ય સમાચાર
News of Wednesday, 15th September 2021

સરળીકરણનું સુરસુરિયું : જીએસટી એકટમાં સુધારાથી જ સર્વિસનું રિફંડ શકય બનશે

મુંબઇ,તા. ૧૫: સર્વિસ પર રિફંડ નહીં આપવાનો નિર્ણય કરતા કાપડ, હીરા અને ફુટવેર ઉદ્યોગ સાથે સંકળાયેલાઓની હાલત કફોડી બનવાની છે. તેના કારણે જીએસટી કાઉન્સિલની બેઠકમાં જ તે અંગેનો નિર્ણય કરવામાં આવે તો ઉદ્યોગકારોને રાહ થાય તેમ છે. કારણ કે સુપ્રીમ કોર્ટે તો ના પાડી દીધી છે. જેથી હવે કાયદામાં સુધારો કરવામાં આવે તો જ સર્વિસનું રિફંડ મળી શકે તેમ હોવાનું જાણકારો કરી રહ્યા છે.

જીએટી પહેલા એકસાઇઝ, વેટ અને સર્વિસ ટેકસ વસૂલ કરવામાં આવતો હતો. તેમાં ગુડ્ઝ પર એકસાઇઝ અને સર્વિસ પર વેટ અને સર્વિસ ટેકસ વેપારી અને ઉદ્યોગકારોએ ભરવો પડતો હતો. આ તમામ સમસ્યાનું નિરાકરણ થાય તે માટે જ જીએસટી (ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ) લાવવામાં આવ્યો છે. ૧ જુલાઇ ૨૦૧૭ના રોજ તે માટેની જાહેરાત કરવામાં આવી ત્યારે એવા દાવા કરવામાં આવ્યા હતા કે ટેકસનું સરળીકરણ કરીને વેપારીઓને ઓછી તકલીફ પડે તેનું પુરતૂં ધ્યાન આપવામાં આવશે. જ્યારે જીએસટી લાગુ થયા બાદ જ્યારે ઇનપુટ ટેકસ ક્રેડિટ લેવાની વાત આવે ત્યારે આ વાતનો છેદ ઉડી જાય છે તે વાત સુપ્રીમ કોર્ટના ચુકાદા પરથી પણ સાબિત થઇ ગયું છે. કારણે સુપ્રીમ કોર્ટે જ ચુકાદો આપ્યો છે કે ગુડ્ઝ પર રિફંડ મળશે જ્યારે સર્વિસ પર રીફંડ મળશે નહીં. જેથી ગુડ્ઝ અને સર્વિસને અલગ અલગ ગણતરી કરવામાં આવી છે. તેના લીધે જ વેપારીઓના કરોડો રૂપિયા હાલમાં તો જામ છે જ જ્યારે વધુ નાણા જમા રહેવાની શકયતા હાલમાં ઉભી થઇ છે. આના નિરાકરણ માટે જીએસટી કાઉન્સિલની બેઠકમાં સર્વિસનું રિફંડ આપવા માટે કાયદામાં સુધારો થાય તો જ હવે રિફંડ મળી શકે તેમ છે.

વેપારીઓના હિતમાં નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી

સર્વિસનું રિફંડ નહીં મળવાના કારણે વેપારીઓના કરોડો રૂપિયા જામ થવાના છે. જ્યારે ટેકસ ભરવા માટે તેનો ઉપયોગ કરી શકતા હોય છે પરંતુ જે વેપારીનો ટેકસ જ એટલો ગણવાનો થતો નહીં હોવાથી તેઓના વેપારમાં રોકવાના નાણાં ટેકસ પેટે જમા થતા રહેવાના છે. આ માટે યોગ્ય નિરાકરણ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.

- રાજેશ ભઉવાલા, સીએ

(10:00 am IST)