મુખ્ય સમાચાર
News of Wednesday, 15th September 2021

મંત્રીમંડળનું વિસ્તરણ આજે થવાનું હતુ પરંતુ આંતરિક ડખ્ખાને કારણે મુલત્વી રહ્યુઃ હવે કાલે અથવા શુક્રવારે થવાની શકયતા

મંત્રીમંડળનું વિસ્તરણ ઓચિંતુ રદ્દ થતા અનેક તર્ક-વિતર્ક

નીતિનભાઈ પટેલ -પ્રદિપસિંહ સહિત ૯૦ ટકા પ્રધાનોને પડતા મુકવાની બાબતને લઇને ભાજપમાં ભડકોઃ સિનીયરોની બાદબાકીના મામલે ભભૂકતો રોષઃ મુખ્યમંત્રી નવા ચહેરાઓને લેવા માંગે છે : સંભવિત મંત્રીમંડળમાં ગોવિંદભાઈ પટેલ, રાઘવજીભાઈ પટેલ, કિરીટસિંહ રાણા, આત્મારામ પરમાર, નિમાબેન આચાર્ય, કેશુભાઈ નાકરાણી, દેવાભાઈ માલમ, આર.સી. મકવાણા, જગદીશ પંચાલ, રાકેશ શાહ, દુષ્યંત પટેલ, નીમિષા સુથાર, સી.કે. રાઉલજી, રાજેન્દ્ર ત્રિવેદી, રમણ પટેલ, રૂષિકેશ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, જીતુ ચૌધરી સહિતને સ્થાન મળે તેવી શકયતાઃ નવા મંત્રીમંડળમાં કોંગ્રેસમાંથી આવેલા તમામ મંત્રીઓની બાદબાકી થાય તેવી શકયતા

અમદાવાદ, તા. ૧૫ :. શિસ્તબદ્ધ જણાતા ભાજપમાં આંતરિક ભડકો થયો હોવાનું જણાઇ રહ્યું છે. આ ભડકો સંભવિત મંત્રીમંડળના વિસ્તરણને લઇને છે. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલે શપથ ગ્રહણ કર્યા બાદ આજે મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સૌ પહેલા બપોરે ૨.૨૦ કલાકે બાદમાં સાંજે ૪.૨૦ કલાકે વિસ્તરણની જાહેરાત થઇ હતી. પરંતુ ભાજપમાં આંતરિક રોષ ઉભો થતા મંત્રીમંડળનું સંભવિત વિસ્તરણ હાલ તુર્ત ટાળી દેવામાં આવ્યુ છે અને હવે કાલે અથવા શુક્રવારે તે થાય તેવી શકયતા છે. જાણવા મળતી વિગતો અનુસાર મુખ્યમંત્રી પટેલ અગાઉના મંત્રીમંડળના ૯૦ ટકા સભ્યોને પડતા મુકવા માંગે છે, જેને લઇને આંતરિક રોષ ઉભો થયો છે અને જુથ બેઠકો શરૂ થતા હાઇકમાન્ડને વિસ્તરણ એકાએક મુલત્વી રાખવાની ફરજ પડી છે. નીતિનભાઇ પટેલ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા જેવા સિનીયર નેતાઓની સંભવિત બાદબાકીને લઇને પણ નારાજગી હોવાનું બહાર આવ્યુ છે. એવું પણ જાણવા મળે છે કે નારાજ ધારાસભ્યો પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના નિવાસે એકઠ્ઠા થયા હતા જ્યાં તેમને મનામણાના પ્રયાસો થયા હતા.

આજે યોજાનારા સંભવિત મંત્રીમંડળનું વિસ્તરણ કેન્સલ થતા મંત્રીમંડળના વિસ્તરણ માટેની તૈયારીઓ થઇ હતી અને બેનરો લગાવાયા હતા તે બપોરે કાઢી નાખવામાં આવ્યા હતા. એવું પણ જાણવા મળે છે કે, ગાંધીનગરના ડખ્ખાના પડઘા દિલ્હીમાં પડ્યા છે અને હાઇકમાન્ડ શું કરે છે તેના ઉપર સૌની નજર કેન્દ્રીત થઇ છે.

 મંત્રીમંડળના વિસ્તરણમાં જૂના અને સિનીયરોની બાદબાકી થશે તે નક્કી છે એટલુ જ નહિ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે તેવુ લાગે છે.

જાણવા મળતી વિગત અનુસાર ભાજપે ૨૦૨૨ની ચૂંટણીને ધ્યાનમાં રાખી મંત્રીમંડળના સભ્યોની પસંદગી કરી છે. જેમાં નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિનભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ સહિત સિનીયરોની બાદબાકી કરવામાં આવે તેવી શકયતા છે. એટલુ જ નહિ કોંગ્રેસમાંથી આવેલા મોટા ભાગના તમામ પ્રધાનોની પણ બાદબાકી થાય તેવી શકયતા છે.

મંત્રીમંડળમાં પાટીદારો અને ઓબીસીને પ્રાધાન્ય આપવામાં આવે તેવી શકયતા છે. એટલુ જ નહિ કોળી સમાજને પણ પુરતુ પ્રતિનિધિત્વ મળે તેવો પ્રયાસ થાય તેવી શકયતા છે. સંભવિત મંત્રીમંડળમાં આર.સી. મકવાણા (ભાવનગર), દેવાભાઈ માલમ (કેશોદ), કેશુભાઈ નાકરાણી (ભાવનગર), ગોવિંદ પટેલ (રાજકોટ), રાઘવજી પટેલ (જામનગર), કિરીટસિંહ રાણા (લીંબડી), આત્મારામ પરમાર (ગઢડા), નીમાબેન આચાર્ય (કચ્છ)ની પસંદગી થાય તેવી શકયતા છે. આ ઉપરાંત જગદીશ પંચાલ, રાકેશ શાહ, દુષ્યંત પટેલ, નિમીષા સુથાર, સી.કે. રાઉલજી, રાજેન્દ્ર ત્રિવેદી, રમણ પટેલ, રૂષિકેશ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, જીતુ ચૌધરી પણ શપથગ્રહણ કરી શકે છે.

સંભવિત મંત્રીમંડળના વિસ્તરણમાં ભાજપના વફાદાર ધારાસભ્યોને જ સ્થાન આપવામાં આવશે તેવુ લાગે છે. નો-રીપીટ થીયરી અપનાવવાનું ભાજપે નક્કી કર્યુ હોવાનું પણ જાણવા મળે છે. એવુ પણ જાણવા મળે છે કે મંત્રીમંડળમાં ૮ થી ૧૦ પાટીદારો અને એટલી જ સંખ્યામાં ઓબીસીને સ્થાન આપવામાં આવશે. ૨૦ થી ૨૨ પ્રધાનો શપથ લ્યે તેવી શકયતા છે.

અત્રે એ નોંધનીય છે કે નવા મંત્રી મંડળને અંતિમ ઓપ આપવા માટે મોડી રાત સુધી બેઠકોના દોર ચાલ્યા હતા. જેમાં ભૂપેન્દ્ર યાદવ અને સંતોષની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી અને તેમા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહ્યા હતા.

અત્રે નોંધનીય છે કે તાજેતરમાં વિજય રૂપાણીના રાજીનામા સાથે ગુજરાતના તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા જે પછી મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી અને તેઓએ ૧૩મી સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. તેમણે એકલા એ જ શપથ લીધા હતા. તે પછી અમિત શાહની આગેવાનીમાં બેઠકો યોજાઈ હતી અને નવા મંત્રી મંડળનો તખ્તો તૈયાર કરાયો હતો.

(3:16 pm IST)