મુખ્ય સમાચાર
News of Wednesday, 15th September 2021

ફુડ એગ્રીગેટરોએ ભરવો પડશે જીએસટી

સ્વીગી, ઝોમેટો જેવી કંપનીઓને જીએસટી ભરવો પડશે

નવી દિલ્હી, તા.૧૫: ખાણી પીણીનો સામાન ઓનલાઇન ઓર્ડર પર ઘરે પહોંચાડતી ઝોમેટો અને સ્વીગી જેવી કંપનીઓ પાસેથી રેસ્ટોરન્ટ સેવાઓના સપ્લાય પર જીએસટી માંગી શકાય છે. આ પગલાનો ઉદેશ સરકારી આવકને થઇ રહેલ નુકસાનને રોકવાનો છે. શુક્રવારે લખનૌમાં થનારી જીએસટી પરિષદની બેઠકમાં આના પર વિચાર કરવામાં આવશે.

૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧માં આ બાબતે લગભગ ૨૦૦૦ કરોડ રૂપિયાના રાજસ્વના નુકસાનનો અંદાજ છે. એટલે ફીટમેન્ટ કમિટીએ ફુડ એગ્રીગેટરને ઇ-કોમર્સ ઓપરેટરની શ્રેણીમાં મુકવા અને રેસ્ટોરન્ટ દ્વારા તેમની પાસેથી જીએસટી વસૂલી લેવાની ભલામણ કરી છે. જાણવા મળ્યું છે કે કેટલાય રેસ્ટોરન્ટ સરકારને જીએસટી નથી આપતા અને અમૂક તો રજીસ્ટર્ડ જ નથી. ફીટમેન્ટ કમિટીએ આ નવી વ્યવસ્થા ૧ જાન્યુઆરી ૨૦૨૨ થી લાગુ કરવાનું સૂચન કર્યુ છે જેથી ફુડ ડીલીવરી કરનારી કંપનીઓ પોતાના સોફટવેરમાં જરૂરી ફેરફાર કરી શકે.

જો કે નિષ્ણાંતોનું કહેવું છે કે આનાથી રેસ્ટોરન્ટોએ ઓનલાઇન ફુડ એગ્રીગેટર દ્વારા વેચાણ અને ડાયરેકટ વેચાણ માટેના બે અલગ-અલગ ચોપડા રાખવા પડશે, જે નાના રેસ્ટોરન્ટો માટે વધારાની કસરત બની જશે. સમિતિએ એ પણ સૂચન કર્યુ છે કે ૭૫૦૦ અથવા તેનાથી વધારે રૂપિયા રૂમ ભાડાવાળી હોટલના પરિસરમાં આવેલ રેસ્ટોરન્ટ દ્વારા અપાનાર સેવાને આનાથી અલગ રાખવામાં આવે.

એક સરકારી અધિકારીએ કહ્યું કે સ્વીગી અથવા ઝોમેટોએ રેસ્ટોરન્ટોનું રજીસ્ટ્રેશન ચકાસવાનું ફરજીયાત નથી કર્યુ અને અનરજીસ્ટર્ડ રેસ્ટોરન્ટો પણ આના પોર્ટલ દ્વારા ખાણીપીણીનો સામાન   વેચે છે. તેમણે કહ્યું કે રેસ્ટોરન્ટ પર જીએસટીનો દર પાંચ ટકા જ છે પણ તેનો બીઝનેસ બહુ મોટો છે. તેનો અર્થ એ કે કરચોરી પણ મોટા પાયે થાય છે. કોરોના દરમ્યાન એગ્રીગેટરો દ્વારા ખાણીપીણીના સામાનનો સપ્લાય અનેકગણો વધી ગયો છે. કેટલીય એવી ઘટનાઓ પણ જાહેર થઇ છે જેમાં જીએટી તો લઇ લેવાય છે પણ સરકારને નથી અપાતો. ડીટમેન્ટ સમિતિના અંદાજ અનુસાર ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧માં લગભગ ૨૦૦૦ કરોડ રૂપિયાનું સરકારને નુકસાન ગયું છે.

(11:37 am IST)