મુખ્ય સમાચાર
News of Wednesday, 15th September 2021

મંત્રીમંડળના વિસ્તરણને લઇને ભાજપમાં કલહ : નારાજ નેતાઓ રૂપાણીના દરબારમાં

ગાંધીનગરમાં રિસામણા-મનામણાનો દોર : જેમના મંત્રીપદ છીનવવાની વકી છે તેઓ લાલધૂમ : ભૂપેન્દ્ર પટેલ સમગ્ર મંત્રીમંડળ બદલાવવા માંગે છે તે સામે અનેકને વાંધો : સીનીયરોમાં પોતાના ભાવિને લઇને ચિંતા

અમદાવાદ, તા. ૧૫ :. ગુજરાતમાં નવા મુખ્યમંત્રીના શપથગ્રહણ બાદ આજે કેબીનેટની રચના થઈ શકે છે પરંતુ હાલ આ લખાય છે ત્યારે મામલો ડખ્ખે ચઢયો હોવાનું કહેવાય છે. નવા ચહેરાઓને લઈને પેચ ઉભો થયો હોવાનું કહેવાય છે. પહેલા નવા પ્રધાનોની શપથવિધિ બપોરે યોજાવાની હતી તે સાંજ સુધી ટળી હોવાનું જણાય છે. મળતી માહિતી મુજબ સીએમ સમગ્ર મંત્રીમંડળમાં ફેરફાર ઈચ્છે છે જેને કારણે આંતરીક કલહ વધી ગયો છે. ભાજપના સૂત્રોના કહેવા મુજબ ૯૦ ટકા પ્રધાનોને હટાવી દેવામાં આવશે. માત્ર એકાદ બે મંત્રી હશે તેમને ફરી મંત્રી બનાવવામાં આવશે. આ બાબતને લઈને ખેંચતાણ વધી ગઈ છે. મળતી માહિતી મુજબ ઈશ્વર પટેલ, ઈશ્વર પરમાર, બચુ ખાબડ, વાસણ આહીર, યોગેશ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસે પહોંચ્યા છે. જ્યાં તેઓની મીટીંગ ચાલુ છે. એવુ જાણવા મળે છે કે વિજયભાઈ રૂપાણીને નારાજ ધારાસભ્યોને મનાવવાનું કામ સોંપવામાં આવ્યુ છે. એવુ પણ માનવામાં આવે છે કે મંત્રી ન બનાવવાના કારણે આ ધારાસભ્યો નારાજ થયા છે.

મળતી માહિતી અનુસાર ભૂપેન્દ્ર પટેલ સરકારની નવી કેબીનેટમાં ૨૧ થી ૨૨ પ્રધાનોને આજે શપથ લેવડાવવામાં આવશે. મંત્રીમંડળમાં નવા ચહેરાઓને પ્રાથમિકતા આપવામાં આવશે અને મહિલાઓની સંખ્યા વધારવામાં આવશે. એવામાં અનેક જૂના અને દિગ્ગજ નેતાઓની છૂટ્ટી પણ થઈ શકે છે. જ્ઞાતિ સમીકરણ સાધવાની સાથે સ્વચ્છ પ્રતિભા ધરાવતા નેતાઓને લેવાની ભાજપની રણનીતિ છે.

આજતકના અહેવાલ અનુસાર ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી. ફળદુ અને કૌશિક પટેલ પોતાના રાજકીય ભવિષ્યને લઈને ચિંતામાં છે.

ભૂપેન્દ્ર પટેલ સીએમ બનવાથી નીતિન પટેલની ખુરશી પર ખતરો ઉભો થયો છે કારણ કે ભૂપેન્દ્ર પટેલ અને નીતિન પટેલ બન્ને પાટીદાર છે. સીએમ અને ડેપ્યુટી સીએમ બન્ને પદ પર એક જ સમાજની વ્યકિતને બેસાડવામાં આવે તેવી શકયતા નથી.

ભાજપમાં અસંતોષ વધી રહ્યો છે ભલે કોઈ જાહેરમાં નારાજગી બતાડતુ નથી પરંતુ આંતરીક ધુંધવાટ વધી રહ્યો છે.

(3:17 pm IST)