મુખ્ય સમાચાર
News of Wednesday, 15th September 2021

સંસદ ટીવી લોન્ચ : વડાપ્રધાન મોદીએ કહ્યું - સંસદીય પ્રણાલીમાં વધુ એક મહત્વનો અધ્યાયનો ઉમેરો થયો

દેશના લોકતંત્ર અને જનપ્રતિનિધિઓના નવા અવાજ તરીકે કામ કરશે.

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સાથે સંસદ ટીવી સંયુક્ત રીતે લોન્ચ કર્યા બાદ કહ્યું કે દેશને સંસદ ટીવીના રૂપમાં સંચાર અને સંવાદનું એવું માધ્યમ મળવું જોઈએ. લોકશાહી અને જનપ્રતિનિધિઓનો નવો અવાજ છે. વડાપ્રધાન  મોદીએ આજે સાંજે સંસદ ટીવી લોન્ચ કર્યું હતું. સંસદ ભવનમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન સંસદ ટીવી લોન્ચ આવ્યું હતું. લોકસભા અને રાજ્યસભા ટીવીને મર્જ કરીને સંસદ ટીવીની રચના કરવામાં આવી છે.

લોકાર્પણ બાદ વડાપ્રધાન  મોદીએ કહ્યું કે આજે આપણી સંસદીય પ્રણાલીમાં વધુ એક મહત્વનો અધ્યાય ઉમેરી રહ્યા છીએ. આજે દેશને સંસદ ટીવીના રૂપમાં સંચાર અને સંવાદનું એવું માધ્યમ મળી રહ્યું છે જે દેશના લોકતંત્ર અને જનપ્રતિનિધિઓના નવા અવાજ તરીકે કામ કરશે.

તેમણે કહ્યું કે બદલાતા સમયમાં મીડિયા અને ટીવી ચેનલોની ભૂમિકા પણ ઝડપથી બદલાઈ રહી છે. 21 મી સદી ખાસ કરીને સંચાર અને સંવાદ દ્વારા ક્રાંતિ લાવી રહી છે. આવી સ્થિતિમાં આપણી સંસદ સાથે સંકળાયેલી ચેનલોએ પણ આ આધુનિક વ્યવસ્થાઓ અનુસાર પોતાનું પરિવર્તન કરવું સ્વાભાવિક છે. લોકશાહી અને ભારત વચ્ચેના ઉંડા સંબંધોનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત માટે લોકશાહી માત્ર એક વ્યવસ્થા નથી, તે એક વિચાર છે. ભારતમાં લોકશાહી માત્ર બંધારણીય માળખું નથી પણ તે એક ભાવના છે. ભારતમાં લોકશાહી માત્ર બંધારણના પ્રવાહનો સંગ્રહ નથી તે આપણો જીવન પ્રવાહ છે.

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે આપણી સંસદમાં સત્ર હોય છે વિવિધ વિષયો પર ચર્ચાઓ થાય છે ત્યારે યુવાનો માટે શીખવા અને જાણવા માટે ઘણું બધું હોય છે. જ્યારે આપણા માનનીય સભ્યો પણ જાણે છે કે દેશ આપણને જોઈ રહ્યો છે ત્યારે તેમને સંસદની અંદર વધુ સારા આચરણ, વધુ સારી ચર્ચા માટે પણ પ્રેરણા મળે છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, 'મને આશા છે કે સંસદ ટીવી પર લોકતંત્ર તરીકે કામ કરતી પંચાયતો પર પણ કાર્યક્રમો કરવામાં આવશે. આ કાર્યક્રમો ભારતના લોકતંત્રને નવી ઉર્જા અને નવી ચેતના આપશે.

(11:37 pm IST)