મુખ્ય સમાચાર
News of Wednesday, 15th September 2021

ઉદ્ધવ ઠાકરે સરકારનો મોટો નિર્ણય :ઓબીસી અનામત માટે વટહુકમ લાવશે મહારાષ્ટ્ર સરકાર

મંત્રી છગન ભુજબલે કહ્યું -અનામત આપવા માટે આંધ્ર પ્રદેશ અને તેલંગાણાનું મોડેલ અપનાવવામાં આવશે

મુંબઈ : ઓબીસી અનામતના મુદ્દે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહા વિકાસ આઘાડી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.

ઓબીસી અનામત માટે વટહુકમ લાવવામાં આવશે. આ માહિતી ઠાકરે સરકારના મંત્રી છગન ભુજબલે  આપી હતી. છગન ભુજબલે કહ્યું કે અનામત આપવા માટે આંધ્ર પ્રદેશ અને તેલંગાણાનું મોડેલ અપનાવવામાં આવશે. જોકે 10થી 12 ટકા જગ્યા ઓછી હશે. પરંતુ સુપ્રીમ કોર્ટે રદ કરતા પહેલા જેટલુ અનામત મળી રહ્યું હતું, તેમાંથી 90 ટકા સુધી બચાવવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.

રાજ્યનું ઓબીસી અનામત રદ કરતી વખતે ઈન્દિરા સાહનીના નિર્ણય હેઠળ સુપ્રીમ કોર્ટે એક મહત્વની વાત કહી હતી કે કોઈ પણ સંજોગોમાં અનામતની મર્યાદા 50 ટકાથી વધુ ન હોઈ શકે. પરંતુ મહારાષ્ટ્રમાં ઓબીસીનું રાજકીય અનામત આ મર્યાદા પાર કરી રહ્યું હતું. આ કારણે સુપ્રીમ કોર્ટે આ આરક્ષણ રદ કર્યું. આ અંગે બોલતા છગન ભુજબલે કહ્યું કે દેશમાં ઘણી જગ્યાએ અનામતની આ મર્યાદા પાર થઈ ગઈ છે. પરંતુ અમે આ મર્યાદાને પાર કરીશું નહીં. 50 ટકાની મર્યાદામાં રહીને જ અમે વટહુકમ લાવીશું.

 

ઓબીસી અનામતને લઈને રાજ્યમાં જોરદાર રાજકારણ શરૂ થઈ રહ્યું છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના નિર્દેશને ધ્યાનમાં રાખીને રાજ્યના ચૂંટણી પંચે 5 જિલ્લા પરિષદો અને તેમની સંબંધિત પંચાયત સમિતિઓની પેટાચૂંટણી માટે ટાઈમટેબલ જાહેર કર્યું છે.

5 ઓક્ટોબરના રોજ મતદાન થશે અને 6 ઓક્ટોબરે મત ગણતરી થશે. આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ જાહેરાત કરી છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઓબીસી અનામત માટે વટહુકમ લાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને મંત્રી છગન ભુજબલે તે અંગે પત્રકાર પરિષદ યોજી હતી.

આના બે દિવસ પહેલા કોંગ્રેસના નેતા અને મંત્રી વિજય વડેટ્ટીવારે (Vijay Wadettiwar) વટહુકમ બહાર પાડવાનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઓબીસી સમાજના લોકો સાથે સંબંધિત ઈમ્પિરિકલ ડેટા ઉપલબ્ધ થયો નથી અને ચૂંટણી નજીક આવી રહી છે. આવી પરીસ્થિતિમાં વટહુકમ લાવીને અનામતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે.

(11:50 pm IST)