મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

દેશમાં ૫૦૦ મલ્ટીમોડેલ કાર્ગો સેન્ટર બનાવાશે : આગામી પાંચ વર્ષમાં 50 હજાર કરોડનો થશે ખર્ચ

કાર્ગો દ્વારા કોલસા, સ્ટીલ, બોકસાઇટ, એલ્યુમિનિયમ, ચૂના પથ્થર અને સિમેન્ટ જેવા જંગી જથ્થાબંધ પરિવહન પર ધ્યાન કેન્દ્રિત કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં ૫૦૦ મલ્ટીમોડેલ કાર્ગો સેન્ટર બનાવવા પાછળ ૫૦,૦૦૦ કરોડ રૃપિયાનો ખર્ચ આગામી ચારથી પાંચ વર્ષ દરમિયાન કરશે, એમ રેલવે પ્રધાન અશ્વિન વૈષ્ણવે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે મલ્ટી-મોડેલ કાર્ગો ટર્મિનલ (બહુસ્તરીય માલવાહક ટર્મિનલ) એવી જગ્યાએ હશે જ્યાં પરિવહનના જુદા-જુદા સાધનો સડક, જળમાર્ગ, હવાઈ માર્ગ કે અન્ય સાધનને રેલવે ટર્મિનલની સાથે એકીકૃત કરવામાં આવશે.

વૈષ્ણવે જણાવ્યું હતું કે આ કાર્ગો દ્વારા કોલસા, સ્ટીલ, બોકસાઇટ, એલ્યુમિનિયમ, ચૂના પથ્થર અને સિમેન્ટ જેવા જંગી જથ્થાબંધ પરિવહન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેની સાથે પાર્સલ સેવાઓ માટે સગવડો પણ સ્થાપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ઉદાહરણ તરીકે જોઈએ તો જ્યારે પણ નવી દિલ્હી રેલવે સ્ટેશનના આધુનિકીકરણનું કાર્ય શરૃ થશે ત્યારે પાર્સલ સેવાઓ માટે એકીકૃત સગવડો સ્થાપવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે આમ કરવાનું કારણ એ છે કે મોટ શહેરોમાં મોટી સંખ્યામાં પાર્સલ આવે છે. આવામાં પાર્સલ જો એક જ કેન્દ્રીય સ્થાન પર પહોંચે તો તેને આ કિંમત પર આગળ મોકલવામાં આવનારા અન્ય સ્થાનો પર વિતરીત કરી શકાય છે. આ વિચાર હેઠળ ગતિશક્તિ કાર્યક્રમ હેઠળ ઓછામાં ઓછા 500 મલ્ટી-મોડલ કાર્ગો ટર્મિનલ સ્થાપવામાં આવશે.

(12:23 am IST)