મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

ડ્રગ્સ કેસની તપાસ કરતા NCB અધિકારી સમીર વાનખેડેની સુરક્ષા કડક :બોડીગાર્ડની સંખ્યા વધારાઈ :ગાડી પણ બદલાઈ

હવે 4 પોલીસકર્મી તેમની સુરક્ષા કરશે. સેડાનને બદલે SUVનો ઉપયોગ કરશે

મુંબઈ : શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસની તપાસનું નેતૃત્વ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે કરી રહ્યા છે. આ દરમિયાન વાનખેડેએ પોતાની જાસૂસીના આક્ષેપો કર્યા છે. જે બાદ હવે મુંબઈ પોલીસે વાનખેડેના અંગરક્ષકો અને સશસ્ત્ર કર્મચારીઓની સંખ્યામાં વધારો કર્યો છે. આ સાથે, તેને હવે એક મોટું વાહન આપવામાં આવ્યું છે જેમાં વધુ સુરક્ષા કર્મચારીઓ તેની સાથે જઈ શકે.

NCBના અધિકારીઓ મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓને મળ્યા હતા અને ફરિયાદ કરી હતી કે છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈ પોલીસના અધિકારીઓ તેમનો પીછો કરી રહ્યા છે. ખુદ સમીર વાનખેડેએ પણ DGPને સોમવારે જાસૂસી અંગે ફરિયાદ કરી હતી. જે બાદ મુંબઈ પોલીસે હવે ડ્રગ્સ કેસની તપાસનું નેતૃત્વ કરનાર સમીર વાનખેડે અને NCBની સુરક્ષા વધારી દીધી છે.

NCBએ જણાવ્યું હતું કે મુંબઈ પોલીસે વાનખેડેની સુરક્ષા કરતા બોડીગાર્ડ અને સશસ્ત્ર કર્મચારીઓની સંખ્યામાં વધારો કર્યો છે. હવે 4 પોલીસકર્મી તેમની સુરક્ષા કરશે. આ સાથે, તે હવે સેડાનને બદલે SUVનો ઉપયોગ કરશે જેથી વધુ સુરક્ષા કર્મચારીઓ તેની સાથે આવી શકે. આ સાથે, NCB કચેરીની બહાર પણ પોલીસનો બંદોબસ્ત વધ્યો છે.

જાસૂસીની ફરિયાદ બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે કહ્યું હતું કે રાજ્ય સરકારે NCB ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની ગતિવિધિઓ પર નજર રાખવા માટે પોલીસ કે અન્ય કોઈ એજન્સીને આદેશ આપ્યો નથી. વાનખેડેએ સોમવારે DGPને ફરિયાદ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે બે પોલીસ અધિકારીઓ મારો પીછો કરી રહ્યા છે. સમીર વાનખેડેએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે સિવિલ ડ્રેસમાં ઘણા લોકો તેનો પીછો કરી રહ્યા હતા. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના નેતૃત્વમાં ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સમીરની ટીમ સતત બોલીવુડના ડ્રગ નેક્સસને તોડવાનો પ્રયત્ન કરી રહી છે

(12:28 am IST)