મુખ્ય સમાચાર
News of Friday, 15th October 2021

ટેકસરૂપે ખંડણી ઉઘરાવી રહી છે સરકારઃ રાહુલની સટ્ટાસટી

નવી દિલ્હીઃ  તા.૧૪, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ શ્રી રાહુલ ગાંધીએ પેટ્રોલ, ડીઝલ અને ગેસની વધતી કિંમતો મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. પેટ્રોલ, ડીઝલ અને ગેસની વધેલી કિંમતોને ગ્રાફ થકી સમજાવતા રાહુલ ગાંધીએ લખ્યું કે, 'આવો વિકાસ દેશ માટે હાનિકારક છે.'

 રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની  સરખામણી લોકકથાઓના લાલચી રાજા સાથે કરી હતી. જેના અંધાધૂંધ ટેકસ વસૂલીથી પ્રજા દુઃખી રહેતી હતી. રાહુલે ટ્વિટ કરી સવાલ કર્યો કે, 'સરકારે જીડીપી એટલે કે, ગેસ, ડીઝલ અને પેટ્રોલ થકી ૨૩ લાખ કરોડ રૂપિયાની કમાણી કરી. પરંતુ આ રૂપિયા ક્યાં ગયા ? લોકોએ સવાલ કરવો જોઈએ કે તેમના ખિસ્સામાંથી જે પૈસા આંચકી લેવામાં આવી રહ્યા છે તે ક્યાં જઈ રહ્યાં છે. ?   રાહુલ ગાંધીએ આ પ્રહાર એવા સમયે કર્યા હતા જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીવાર પ્રતિ લીટરે ૩૫ પૈસાનો વધારો ઝિંકવામાં આવ્યો હતો અને તેના કારણે દેશમાં રિટેલ પેટ્રોલ પંપ કિંમતો આકાશને આંબી ગઈ હતી.

 રાહુલ ગાંધીએ કહ્યું કે, જે રીતે પહેલાના જમાનામાં રાજાશાહી વખતે જ્યારે કોઈ રાજા અંધાધૂંધ કર ઉઘરાવીને સત્તા ચલાવતો હતો ત્યારે પ્રજા તેને પણ પડકારી તેની સત્તાનો અંત લાવી દેતી હતી એ જ રીતે હવે પણ થશે અને લોકો મોદી સરકારનો અંત લાવશે. સરકાર માટે ટેકસ રૂપે ખંડણી ઉઘરાવનાર શબ્દનો પ્રયોગ ક્યો હતો. 

(12:31 pm IST)