મુખ્ય સમાચાર
News of Friday, 15th October 2021

ભારતમાં એવી સ્થિતિ ઉપજે નહિ જેની અસર બાંગ્લાદેશ પર પડે

વડાપ્રધાન શેખ હસીનાએ દુર્ગા પંડાલ પર હુમલા વચ્ચે ભારતને આપી 'સલાહ'

ઢાકા તા. ૧૫ : બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ બુધવારે કોમિલ્લા જિલ્લામાં દુર્ગા પૂજા ઉજવણી દરમિયાન પંડાલોની તોડફોડ અને હિન્દુ મંદિરો પર હુમલાની સખત નિંદા કરી હતી. શેખ હસીનાએ ચેતવણી આપી હતી કે આ હુમલામાં જે કોઈ પણ સંડોવાયેલો છે, તેઓ ગમે તે ધર્મના હોય તેમને છોડવામાં આવશે નહીં. આ સાથે શેખ હસીનાએ ભારતને સાવધ રહેવાનું પણ કહ્યું છે. બીબીસી બાંગ્લાના અહેવાલ મુજબ, શેખ હસીનાએ કહ્યું કે ભારતમાં એવું કંઈ ન થવું જોઈએ જેની અસર બાંગ્લાદેશ પર પડે અને ત્યાંના હિન્દુ સમુદાયને નુકસાન પહોંચાડે.

બાંગ્લાદેશના ચાંદીપુરના હાજીગંજ ઉપજલ્લામાં બુધવારે દુર્ગા પૂજાની ઉજવણી દરમિયાન ફાટી નીકળેલી કોમી હિંસામાં ત્રણ લોકોના મોત થયા હતા અને ૬૦ જેટલા ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, ફેસબુક પોસ્ટમાં કુરાનના કથિત અપમાનને કારણે હિંસા ફાટી નીકળી હતી અને અનેક દુર્ગા પૂજા પંડાલોમાં તોડફોડ કરવામાં આવી હતી.

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઢાકાના ઢાકેશ્વરી રાષ્ટ્રીય મંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, કોમીલા જિલ્લામાં બનેલી ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જેણે હિન્દુ મંદિરો અને દુર્ગા પૂજા પંડાલો પર હુમલો કર્યો, તેમાંથી કોઈને છોડવામાં આવશે નહીં. આ બદમાશોનો ધર્મ શું હતો તેનાથી કોઈ ફરક પડતો નથી. આ હુમલાઓ પાછળ એવા લોકો છે જે લોકોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યા છે.

આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા તેમણે કહ્યું છે કે આ એવા લોકો છે કે જેઓ અન્યનો વિશ્વાસ જીતી શકતા નથી અને જેમની પાસે કોઈ પ્રકારની વિચારધારા નથી, તે જ લોકો આવા હુમલાઓ કરે છે. અમને આ મામલે ઘણી માહિતી મળી રહી છે. જેમણે આ હુમલો કર્યો છે તેમને અમે ચોક્કસપણે શોધીશું. આ ટેકનોલોજીનો યુગ છે. અમે ભૂતકાળમાં પણ આવું કર્યું છે અને ભવિષ્યમાં પણ આવું કરવાનું ચાલુ રાખીશું. તેમને કડક સજા આપવામાં આવશે જેથી ભવિષ્યમાં લોકો આવી ઘટનાનું પુનરાવર્તન ન કરે.

  શેખ હસીનાએ લોકોને અપીલ કરી છે કે તેઓ આવા અસામાજિક તત્વો સામે સતર્ક રહે. તેમણે વધુમાં કહ્યું કે બાંગ્લાદેશમાં લોકો જાતિ અને ધર્મને ધ્યાનમાં લીધા વગર તમામ તહેવારો સાથે મળીને ઉજવે છે. ધર્મ કોઈપણ મનુષ્ય માટે વ્યકિતગત છે પરંતુ તહેવારો સમુદાય અને લોકો સાથે ઉજવવા માટે છે. શેખ હસીનાએ કહ્યું કે આ ઘટના એવા સમયે બની છે જયારે બાંગ્લાદેશ વિકાસ તરફ ઝડપી પગલા લઈ રહ્યું છે અને આ ઘટનાનો હેતુ આપણા દેશની પ્રગતિને નુકસાન પહોંચાડવાનો છે. કેટલાક લોકો ધાર્મિક રીતે અંધશ્રદ્ઘાળુ હોય છે અને તેઓ હંમેશા કોમી તણાવ કે હિંસા ફેલાવવાનો પ્રયત્ન કરતા હોય છે. આવા લોકો માત્ર મુસ્લિમ સમાજમાં જ નથી પરંતુ અન્ય ધર્મોમાં પણ છે. પરંતુ જો આપણે સાથે મળીને કામ કરીશું તો આવા લોકો આપણને નુકસાન નહીં કરી શકે. શેખ હસીનાએ આ હુમલામાં સામેલ લોકો સામે કાર્યવાહીની ખાતરી આપતા ભારતને અપીલ પણ કરી હતી. બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ કહ્યું કે, સમગ્ર વિશ્વમાં આતંકવાદી પ્રવૃત્ત્િ।ઓ વધી રહી છે. માત્ર આપણો દેશ જ નહીં પણ પડોશી દેશોએ પણ આ બાબતે સાવધ રહેવું જોઈએ. તેમણે કહ્યું, ભારતે આપણી સ્વતંત્રતા સંગ્રામમાં અમને ઘણી મદદ કરી છે અને આ માટે અમે હંમેશા આભારી રહીશું. પરંતુ ભારતમાં પણ એવું કંઈ ન કરવું જોઈએ જે આપણા દેશને અસર કરે અને આપણા દેશના હિન્દુ સમુદાયના લોકોને નુકસાન પહોંચાડે. તેઓએ પણ આ બાબતે થોડું ધ્યાન રાખવાની જરૂર છે.

પંડાલો પર હુમલા બાદ બાંગ્લાદેશના હિન્દુ સમુદાયે પ્રધાનમંત્રી શેખ હસીના સમક્ષ પોતાની ચિંતા વ્યકત કરી હતી. બાંગ્લાદેશ પૂજા સેલિબ્રેશન કાઉન્સિલના પ્રમુખ મિલન કાંતિ દત્ત્।ે કહ્યું કે પૂજા પંડાલમાં હિંસાથી દેશભરના હિન્દુઓમાં અસલામતીની લાગણી ઉભી થઈ છે. મિલન કાંતિએ કહ્યું કે હિન્દુઓ સામે વ્યવસ્થિત હુમલાઓ થઈ રહ્યા છે અને તેમના મનમાં ભયની ભાવના વિકસી છે.

(3:10 pm IST)