મુખ્ય સમાચાર
News of Saturday, 16th January 2021

ટાટા મોટર્સે ટેસ્ટલાને ફિલ્મ ગીતથી આવકાર આપ્યો

આખી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં ચકચાર મચી ગઈ : આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે...ગીતની કડીની ટ્વીટ બાદ બન્ને કંપની વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવા અંગે ચર્ચા

મુંબઈ, તા.૧૬ : ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક મોબિલિટીના ટ્વિટર હેન્ડલ પરથી તાજેતરમાં એક ટ્વિટ થઇ છે, જેને આખી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં ખલબલી મચાવી દીધી છે. દરેક લોકો ટ્વીટ અંગે વાત કરવા લાગ્યા. જો કે હવે કંપનીએ તે ટ્વીટને ડિલીટ કરી દીધી છે પરંતુ અફવાઓનું બજાર હજી પણ ગરમ છે. હકીકતમાં ટાટા મોટર્સ દ્વારા ટ્વીટમાં ટેસ્લા અને તેના માલિક એલન મસ્કનો ઉલ્લેખ કરતાં એક જૂની ફિલ્મના ગીતની કેટલીક લાઇનો લખી હતી, ત્યારબાદથી લોકો વિચારવા લાગ્યા છે કે શું બંને કંપનીઓ સાથે મળીને કંઇક કરવાની છે. ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક મોબિલિટીએ પોતાના ટ્વિટમાં ૧૯૬૦ના દાયકાના એક બોલિવુડ ગીતોની લાઇનો લખી હતી, જેમાં શમ્મી કપૂર અને મુમતાઝ અભિનય કર્યો છે. ટ્વીટમાં લખ્યું હતું કેઆજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર અખબાર મેં, સબ કો માલૂમ હૈ ઔર સબકો ખબર હો ગઇ. ટ્વીટમાં ટેસ્લા અને એલન મસ્કના હેશટેગ #WelcomeTesla #TeslaIndia પણ લખ્યું હતું. અત્યારે ટ્વીટ ડિલીટ થઇ ચૂકી છે અને કંપનીના પ્રવક્તાએ ટેસ્લાની સાથે અત્યારે કોઇપણ પ્રકારની પાર્ટનરશિપ નહીં કરવાની વાત કહી છે. તેમણે કહ્યું કે કંપની અત્યાર સુધી ટેસ્લાની સાથે પાર્ટનરશીપની કોઇ યોજના બનાવી નથી અને આવી તમામ વાતોને કોરી અફવા ગણાવી દીધી છે. જો કે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી બાદ એક ટ્વીટ કરી તેના લીધે લોકો તમામ પ્રકારના અંદાજાઓ લગાવી રહ્યા છે.

તાજેતરમાં ટાટા મોટર્સના શેરોમાં જેતી જોવા મળી હતી. શુક્રવારના રોજ કંપનીનો શેર ૨૪૬ રૂપિયાના લેવલથી અંદાજે ટકા ચઢીને ૨૬૫ રૂપિયા સુધી પહોંચી ગયો. છેલ્લાં અંદાજે ત્રણ મહિનામાં કંપનીનો શેર લગભગ બેગણો થઇ ગયો છે. ૧૫ ઑક્ટોબર ૨૦૨૦ના રોજ કંપનીનો શેર ૧૨૭ રૂપિયાની સપાટી પર હતો. માનવામાં આવી રહ્યું છે કે ટાટા મોટર્સના શેરોમાં આવેલી તેજીનું એક કારણ પણ હતું કે લોકો માની રહ્યા હતા ટાટા મોટર્સ અને ટેસ્લાની વચ્ચે પાર્ટનરશીપ થઇ શકે છે. સાથો સાથ ટાટા મોટર્સના સેલ્સમાં થયેલી રિકવરી પણ શેરોમાં તેજીનું કારણ હતું.

(7:33 pm IST)