મુખ્ય સમાચાર
News of Saturday, 16th January 2021

વેક્સિનના બંને ડોઝ લેવા ખૂબ જ જરૂરી : નિષ્ણાતો

કોરોનાના રસીકરણ વચ્ચે લોકોમાં દ્વીધા : પહેલો ડોઝ શરીરમાં લોંચપેડ તરીકે કામ કરે છે, જ્યારે સેકન્ડ ડોઝ વાયરસ સામે લડવાની શક્તિનું સર્જન કરે છે

પુણે, તા.૧૬ : દેશભરમાં આજથી કોરોનાના રસીકરણના પહેલા તબક્કાનો પ્રારંભ થઈ રહ્યો છે. જેના અંતર્ગત ૩૦ દિવસના ગાળામાં વેક્સિનના બે ડોઝ જેમને રસી આપવાની છે તેમને અપાશે. વેક્સિનના બે ડોઝ કેમ, તે અંગે પણ લોકોને ઉત્સુકતા જાગી છે ત્યારે ટોચના વાયરોલોજિસ્ટ્સના જણાવ્યા અનુસાર, રસીના બંને ડોઝ લેવા ખૂબ જરુરી છે. તેમના જણાવ્યા અનુસાર, પહેલો ડોઝ શરીરમાં લોંચપેડ તરીકે કામ કરે છે, અને ઈમ્યૂન સિસ્ટમને વાયરસથી અવગત કરાવે છે. જ્યારે સેકન્ડ ડોઝ વાયરસ સામે લડવાની શક્તિ સર્જવાની સાથે રોગપ્રતિકાર શક્તિને તેનો પ્રતિકાર કરવા સજ્જ બનાવે છે.

રસીનો પહેલો ડોઝ લીધા બાદ ઘણા લોકો બીજો ડોઝ લેવા નહીં આવે તેવી ચર્ચા વચ્ચે સરકારને પણ અંગેની ચિંતા સતાવી રહી છે. તેવામાં ડૉક્ટર્સનું કહેવું છે કે પહેલો ડોઝ લેનારો વ્યક્તિ બીજો ડોઝ ના લેવાની ભૂલ ક્યારેય ના કરે. બીજા ડોઝથી કોરોના સામે લડવાની શક્તિ મળે છે, જે લાંબો સમય ટકે છે. ડૉક્ટર્સનું કહેવું છે કે મોટાભાગની રસીના બે ડોઝ આપવા જરુરી હોય છે. નાના બાળકોને જે રસી આપવામાં આવે છે તેના પણ બે ડોઝ આપવામાં આવતા હોય છે. કોરોનાના કેસમાં પહેલો ડોઝ આપ્યાના ૨૯મા દિવસે બીજો ડોઝ આપવામાં આવશે. પહેલો ડોઝ લીધા બાદ શરીરમાં જે રોગપ્રતિકારક શક્તિ સર્જાય છે તે ૨૮ દિવસ બાદ મંદ પડી જાય છે, અને તે વખતે બીજો શોટ આપવાથી તે ફરી સર્જાય છે અને લાંબો સમય ટકે છે.

આઈસીએમઆરના પૂર્વ સિનિયર સાયન્ટિસ્ટ રમણ ગંગાખેડકરના જણાવ્યા અનુસાર, પહેલો શોટ લીધા બાદ શરીરમાં દાખલ કરાયેલા એન્ટિજેન સામે ઈમ્યુનોલોજિકલ રિસ્પોન્સ શરુ થાય છે. પહેલા શોટના ત્રણથી ચાર અઠવાડિયામાં શરીર એલજીજી ૭ડેવલપ કરે છે અને એન્ટિબોડીનો ખાત્મો બોલાવી દે છે. ત્યારબાદ જે બીજો ડોઝ આપવામાં આવે છે તે માત્ર વાયરસ સ્પેસિફિક એન્ટિબોડી નથી વધારતો પરંતુ તેની સાથે ટી સેલ્સની ક્ષમતા પણ વધારે છે, જે ઈમ્યૂન સિસ્ટમને વાયરસ સામે લડવા વધુ મજબૂત બનાવે છે. વળી, સેકન્ડ ડોઝ ઈમ્યૂનિટીને લાંબો સમય જાળવી રાખવામાં પણ મદદ કરે છે.

કોવિશિલ્ડ નામની વેક્સિનનું પ્રોડક્શન કરનારી પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, બીજો ડોઝ લીધાના ચાર અઠવાડિયાના ગાળામાં શરીરમાં કોરોના સામે લડવાની પ્રતિકારક ક્ષમતા વિકસિત થાય છે. ફાઈઝરની વેક્સિન કોરોના સામે ૯૫ ટકા જેટલું પ્રોટેક્શન આપે છે. તેની અસર પણ પહેલો શોટ લીધાના ૧૨ દિવસ બાદ શરુ નથી થતી તેવું એક અભ્યાસમાં જાણવા મળ્યું છે.

પહેલા શોટના થોડા અઠવાડિયા બાદ રસી ૫૨ ટકા પ્રોટેક્શન આપે છે, અને બીજો શોટ લીધા બાદ તેનું લેવલ ૯૫ ટકા સુધી પહોંચે છે. જોકે, રસી હજુ સુધી ભારતમાં અપ્રુવ નથી થઈ.

વેક્સિન રિસર્ચર પ્રસાદ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, સામાન્ય ભાષામાં વાત સમજવી હોય તો એવું કહી શકાય કે પહેલો ડોઝ લોહીમાં વાયરસ સ્પેસિફિક એન્ટિબોડીને ૧૦૦ સુધી ડેવલપ કરે છે, અને બીજો શોટ તેનું લેવલ ચારેક સપ્તાહમાં ૭૦૦ સુધી લઈ જાય છે. મતલબ કે, બંને શોટ લીધા પછી બે મહિનાના ગાળામાં કોરોના સામે વ્યક્તિ સુરક્ષિત બને છે. જોકે, ત્યારબાદ પણ માસ્ક પહેરવા ઉપરાંત વારંવાર હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જરુરી છે.

એક્સપર્ટ્સનું એમ પણ કહેવું છે કે, રસી લીધા બાદ પણ માસ્ક પહેરવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ પણ રાખવું પડશે. વેક્સિનના બે ડોઝ બાદ વ્યક્તિને કોરોના સામે રક્ષણ મળી જાય છે, પરંતુ તે પોતે કોરોના ફેલાવી શકે કે કેમ તે અંગે હજુ સુધી વૈજ્ઞાનિકોને કોઈ નક્કર પુરાવા નથી મળ્યા. જેથી, સંપૂર્ણ વેક્સિનેશન બાદ પણ માસ્ક, સેનેટાઈઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ કેટલાક સમય માટે યથાવત રાખવા પડશે.

(7:36 pm IST)