મુખ્ય સમાચાર
News of Sunday, 16th May 2021

સેનાના કોવિડ કેર સેન્ટર્સમાં નર્સિંગ સહાયકો તૈનાત કર્યા

કોરોના સામેના જંગમાં ભારતીય સેના આગળ આવી : બીએફએનએ યુદ્ધ દરમિયાન હોસ્પિટલોમાં ઘાયલ સૈનિકોની સારવારમાં મદદ માટે તૈયાર કરવામાં આવે છે

નવી દિલ્હી, તા. ૧૫ : ભારતીય સેનાએ કોરોના વાયરસ સામેની લડાઈમાં સામનો કરવા માટે બેટલફિલ્ડ નર્સિંગ આસિસ્ટન્ટ (બીએફએનએ)ને પણ મેદાનમાં ઉતારી દીધા છે.

આ નર્સિંગ સહાયકોને સેનાના કોવિડ કેસ સેન્ટરો ખાતે તૈનાત કરવામાં આવ્યા છે જેથી કોવિડ-૧૯ મહામારીની બીજી લહેરમાં નર્સોની તંગીને દૂર કરી શકાય.

સેનાએ આ મોડલનું પાલન રાજ્ય સરકારો અને હોસ્પિટલ પણ કરી શકે છે તેવું સૂચન આપ્યું હતું. ડેપ્યુટી ચીફ ઓફ ઈન્ટીગ્રેટેડ સ્ટાફ (ચિકિત્સા) લેફ્ટિનન્ટ જનરલ માધુરી કાનિતકરે જણાવ્યું કે, બીએફએનએ યુદ્ધ દરમિયાન હોસ્પિટલોમાં ઘાયલ સૈનિકોની સારવારમાં મદદ માટે તૈયાર કરવામાં આવે છે. તેઓ યુદ્ધની સ્થિતિમાં ઈન્જેક્શન લગાવવાનું, શ્વાસ લેવામાં મદદ કરવા સહિતની સામાન્ય પાયાની સ્વાસ્થ્ય દેખભાળ સુવિધાઓ આપવા માટે પ્રશિક્ષિત હોય છે.

કાનિતકરના કહેવા પ્રમાણે બીએફએનએ યુવાન સ્વયંસેવકોને પણ પ્રશિક્ષિત કરી શકે છે જેથી પ્રશિક્ષિત નર્સો પરનું કામનું ભારણ હળવું થઈ શકે. આ સંજોગોમાં પ્રશિક્ષિત નર્સો મહામારી સામેની લડાઈમાં વધુ મહત્વના કામમાં ઉપયોગી થઈ શકશે.

(12:00 am IST)