મુખ્ય સમાચાર
News of Sunday, 16th May 2021

દાવેદારો જૂથમાં વહેંચાયેલા હોઈ ઓલીને ફરીવાર સત્તા

કોરોનાના કહેરે નેપાળના વડાપ્રધાનની ગાદી ટકાવી રાખી : વિરોધીઓ સંસદમાં બહુમત મેળવવામાં નિષ્ફળ રહેતા ઓલી પાસે સૌથી વધારે ૬૧ સાંસદોનું સમર્થન હતું

નવી દિલ્હી, તા. ૧૫ : નેપાળમાં સત્તા સંઘર્ષનો વર્તમાન દોર બુધવારે ચાલુ થયો હતો જ્યારે પશુપતિનાથ મંદિરના મુખ્ય સંયોજકે કોવિડ-૧૯ મહામારીના કારણે પોતાના જીવનમાં સૌથી વધુ સંખ્યામાં મૃતદેહોને સ્મશાન ઘાટ પર સળગતા જોયા હતા. તે દિવસના અંતમાં તમામ દાવેદારો વિવિધ જૂથમાં વહેંચાયેલા હતા માટે સંસદમાં બહુમત મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. આ કારણે રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીને ફરી વખત વડાપ્રધાન નિયુક્ત કરી દીધા હતા કેમકે તેમના સમર્થનમાં સૌથી વધારે ૬૧ સાંસદ હતા.

નેપાળમાં ચૂંટણીને હજુ ૨ વર્ષ બાકી છે માટે આગામી દિવસોમાં ઓલી પોતાની સ્થિતિ મજબૂત બનાવી શકે છે. તેમણે પૂર્વ વડાપ્રધાનો-માધવ કુમાર નેપાળ અને ઝલનાથ ખનાલના નેતૃત્વવાળા માઓવાદીઓના એક જૂથને પહેલેથી જ વિભાજિત કરી દીધું છે. ભવિષ્યમાં તેઓ કોમ્યુનિસ્ટ અને નોન કોમ્યુનિસ્ટ બંને પાર્ટીઓને વિભાજિત કરી શકે છે. જો તકરાર ચાલુ રહેશે તો જલ્દી ચૂંટણી યોજવી એ એકમાત્ર વિકલ્પ બચશે.

ગરીબ લોકોમાં સંક્રમણ અને મૃત્યુ વધારવા પાછળ લગભગ સંપૂર્ણપણે રાજકીય અસ્થિરતા અને નીતિગત અપંગતા જવાબદાર છે. એક ગણતંત્ર અને એક સંસદીય લોકતંત્ર સ્વરૂપે નેપાળ કદી સ્થિર રહેવામાં સક્ષમ નથી થયું પરંતુ અનિશ્ચિત કાળ સુધી ભારે તકરાર અને રાજકીય અસ્થિરતાનો શિકાર રહ્યું છે.

સમગ્ર વિશ્વમાં કોવિડ સંક્રમણ અને રાજકારણ એકબીજામાં ભળી ગયું છે જ્યાં મોટી સંખ્યામાં દક્ષિણપંથી રાષ્ટ્રવાદી સત્તામાં છે. નેપાળનો કેસ ફક્ત એ મુદ્દે ભિન્ન છે કે તે સત્તારૂઢ વામપંથી જાતિય રાષ્ટ્રવાદીઓના કારણે સંકટમાં મુકાયુ છે કારણ કે તેઓ રૂઢિવાદી જેવા છે તથા માર્ક્સ અને માઓના અનુયાયી છે.

૧૦ મેના રોજ ઓલી વિશ્વાસમત હારી ગયા ત્યાર બાદ નેપાળી કોંગ્રેસ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-એમસી અને જાતિય સમાજવાદી પાર્ટીના એક જૂથે રાષ્ટ્રપતિ ભંડારીને બંધારણની કલમ ૭૬ (૨) લાગુ કરવા આગ્રહ કર્યો હતો જેથી નવી સરકારની રચના માટે માર્ગ વિસ્તૃત થઈ શકે. પરંતુ જ્યારે દાવેદારો સંસદમાં બહુમત મેળવવામાં નિષ્ફળ રહ્યા તો તેમણે ફરી ઓલીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કરી દીધા.

(12:00 am IST)