મુખ્ય સમાચાર
News of Sunday, 16th May 2021

ઇઝરાયેલ - પેલેસ્ટાઇન મહાયુદ્ધમાં ગાઝા કહે છે ૪૧ બાળકો માર્યા ગયા છતાં ઇઝરાયલ કહે છે હુમલાનો ચાલુ જ રહેશે

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો સંઘર્ષ એક સપ્તાહ બાદ પણ ચાલુ છે અને બન્ને પક્ષ એકબીજા પર હુમલા કરી રહ્યા છે.

બીબીસીની અરેબિક સેવાના જણાવ્યા અનુસાર ઇઝરાયલે ગાઝામાં હમાસના વડાના ઘર પર હુમલો કર્યો છે, જ્યારે બીજી તરફ તેલ અવિવના આકાશમાં મોટા પ્રમાણમાં રૉકેટો છોડવામાં આવ્યાં છે.

ગાઝાપટ્ટીના અધિકારીના જણાવ્યા અનુસાર આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ પેલેસ્ટાઇનવાસીઓનાં મૃત્યુ થયાં છે અને કેટલાકને ઈજા પહોંચી છે.

બીજી તરફ ભારે સંખ્યામાં છોડવામાં આવેલાં રૉકેટોએ તેલ અવિવ શહેરના આકાશને ધણધણાવી દીધું. સમાચાર સંસ્થા રૉયટર્સના જણાવ્યા અનુસાર રૉકેટ ફાયર થતાં જ શહેરમાં સાયરનો વાગવાં લાગ્યાં અને લોકો બંકરોની અંદર દોડી ગયા. આ દરમિયાન દસ લોકોને ઈજા પહોંચી.

ઇઝરાયલ પર મિસાઇલ કે રૉકેટોથી હુમલો કરાય ત્યારે ચેતવણીના ભાગરૂપે શહેરમાં સાયરન વાગવા લાગે છે અને લોકો સુરક્ષિત સ્થળોએ આશરો લઈ લે છે.

(12:41 pm IST)