મુખ્ય સમાચાર
News of Tuesday, 15th June 2021

રાજસ્થાનના રાજકારણમાં ગરમાવો: પાયલોટ સમર્થકોએ કહ્યું-ક્યા ધારાસભ્યો કોની સાથે રહેશે તે સમય બતાવશે

આખું રાજસ્થાન સચિન પાયલટ સાથે છે, કેટલાક લોકોના આવવા જવાથી શું ફેર પડે છે?

જયપુર : રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સમયથી શાંત રાજનીતિમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે. ફરી એક વખત મુખ્યમંત્રી અશોક ગહલોત અને સચિન પાયલોટ વચ્ચે ફરી એક વખત પોલિટિકલ ડ્રામા જામ્યો છે. બસપા છોડીને કોંગ્રેસમાં આવેલા ધારાસભ્યોએ સચિન પાયલટ પર પ્રહાર કરવાના પ્રયત્નો કર્યા તો આ તરફ પાયલટના સમર્થકો પણ આગળ આવ્યા છે. બસપાના ધારાસભ્યોએ પોતાને અસલી અને સચિન પાયલટને નકલી કહ્યા છે.

આ બધા વચ્ચે મંગળવારે પાયલટ સમર્થક ધારાસભ્યોએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને બસપા ધારાસભ્યોના લગાવેલા આરોપ પર નારાજગી વ્યક્ત કરી છે. સચિન પાયલટની ટીમના મુકેશ ભાકર અને રાકેશ પારીકે કહ્યું કે બસપામાંથી આવેલા ધારાસભ્યોને કોંગ્રેસનો ઇતિહાસ નથી ખબર.

આ લોકોને શર્ત વગર કોંગ્રેસમાં સામેલ થવાનું કહેવામાં આવ્યું હતું. તો હવે તેમને શેની પીડા થઇ રહી છે? તેમણે આગળ કહ્યું કે ક્યા ધારાસભ્યો કોની સાથે રહેશે તે સમય જણાવશે. અમે 19 છીએ અને આગળ જોઇશું.

તેમણે કહ્યું કે રાજસ્થાનમાં ખેડૂત દેવા માફી જેવી વસ્તુઓ નહોતી થઇ રહી. કાર્યકર્તાઓ પુછતા હતા, જેથી સચિન પાયલટ પાર્ટી હાઇકમાનને મળવા દિલ્હી ગયા હતા. હાઇકમાનને મળવાનો અમારો અધિકાર છે. એક કવિની પત્નીને RPSCની સભ્ય બનાવી દેવામાં આવી, આવી સ્થિતિમાં હાઇકમાનને મળવાનો અમારો અધિકાર છે. અમે અનુશાસિત છીએ, પરંતુ નવા આવનારા લોકો અમારા પર આંગળી ઉઠાવી રહ્યા છે. સચિન પાયલટે ખોટું કંઇ નથી કહ્યું, સરકારને માત્ર 10 મહિના પહેલાનું વચન પુરુ કરવાનું કહ્યું છે.

તેમણે આગળ કહ્યું કે આખું રાજસ્થાન સચિન પાયલટ સાથે છે. કેટલાક લોકોના આવવા જવાથી શું ફેર પડે છે? મુકેશ ભાકરે કહ્યું કે હું જીતીને યુથ કોંગ્રેસનો અધ્યક્ષ બન્યો છુ, જ્યારે આજે અમને કહેવામાં આવે છે કે કોણ કોંગ્રેસી અને કોણ નહીં. અમે કોંગ્રેસ કાર્યકર્તાઓના માન સન્માનની વાત કરી છે, અમારા માટે કંઇ નથી માંગ્યું.

(12:20 am IST)