મુખ્ય સમાચાર
News of Wednesday, 16th June 2021

નિકાહ વખતે જ ખુલી પોલ : વરરાજો મુસ્લિમને બદલે હિંદુ નીકળતા થયો તમાશો

મૌલવીને શંકા જતા વરરાજાની તપાસ કરવામા આવી : વરરાજાનું પાનકાર્ડ જોતા ખબર પડી કે વરરાજો મુસ્લિમ નહીં પણ હિન્દુ હતો : નિકાહ કરવા પહોંચેલા વરરાજાએ છુપાવ્યો પોતાનો ધર્મ : વરરાજો મુસ્લિમ નહીં પણ હિન્દુ નીકળતા લોકોએ મેથીપાક ચખાડ્યો : સોશિયલ મીડિયામાં યુવક-યુવતીની દોસ્તી થઈ હતી

મહારાજગંજ,તા.૧૬: ઉત્ત્।ર પ્રદેશના મહારાજગંજમાંથી એક અજીબો-ગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં નિકાહ વખતે એક વરરાજાની પોલ ખુલી ગઈ. નિકાહ પઢતી વખતે વરરાજાની જીભ લથડતા મૌલવીને શંકા ગઈ. બાદમાં વરરાજાની તપાસ કરવામાં આવી. તો તેની પાસેથી એક પાનકાર્ડ મળ્યું. પાન કાર્ડ જોતા ખબર પડી કે નિકાહ કરવા આવેલો શખ્સ મુસ્લિમ નહીં પણ હિન્દુ હતો. લોકોને આ વાતની જાણ થતા ત્યાં હાજર લોકોએ વરરાજાને મેથીપાક ચખાડ્યો. બાદમાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસે તપાસ હાથ ધરી.

આ કિસ્સો મહારાજગંજના કોલ્હુઈ વિસ્તારનો છે. ગામની એક યુવતીનો સિદ્ઘાર્થનગરમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. બંનેની મિત્રતા સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. સોશિયલ મીડિયા પર વાતચીતનો સિલસિલો લગભગ બે વર્ષથી ચાલતો હતો. વાતચીત કરતા કરતા બંને એકબીજાની નજીક આવ્યા. આ મિત્રતા પ્રેમમાં પરિણમી અને બાદમાં બંનેએ લગ્ન કરવાની ઈચ્છા વ્યકત કરી.

યુવતીના પરિવારજનો પણ લગ્ન માટે સંમત થયા. ત્યારે યુવકે કોરોના મહામારીનું કારણ બતાવીને લગ્નમાં તે પોતાની સાથે બે-ચાર લોકોને જ સાથે લાવશે એવું કહ્યું. બાદમાં યુવક લગ્ન માટે જાન લઈને પહોંચ્યો. મૌલવીએ નિકાહ પઢવાનું શરૂ કર્યું. આ દરમિયાન ઉર્દુના કેટલાક શબ્દો બોલતી વખતે વરરાજાની જીભ લથડી. એ પછી મૌલવીને શંકા ગઈ અને વરરાજાની તપાસ કરી. વરરાજાના ખિસ્સામાંથી તેનું પાન કાર્ડ મળ્યું. પાન કાર્ડ જોતા ખબર પડી કે યુવક મુસ્લિમ ન હતો. એટલું જ નહીં લગ્ન વખતે વરરાજા સાથે તેના પરિવારનું કોઈ જ સાથે ન હતું.

જયારે લોકોને ખબર પડી કે નિકાહ પઢવા આવેલો શખ્સ મુસ્લિમ નથી. ત્યારે ત્યાં હાજર લોકો ગુસ્સે ભરાયા અને વરરાજાને બરાબરનો મેથીપાક ચખાડ્યો. પછી તો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દિલીપ શુકલાએ બંને પક્ષ વચ્ચે હાલ વાતચીત ચાલી રહી હોવાની પુષ્ટિ કરી છે.

(10:16 am IST)