મુખ્ય સમાચાર
News of Wednesday, 16th June 2021

એક સમયની લોકપ્રિય બીનાકા બ્રાન્ડ આજે કયાં ગાયબ થઈ ગઈ?

૧૯૭૦ના દાયકામાં રેડિયો સાંભળવાનું ચલણ ખૂબ વધુ હતું: તે સમયે એક ખાસ કાર્યક્રમ ખુબ લોકપ્રિય બન્યો હતો. દેશના ખૂણે-ખૂણે આ કાર્યક્રમે ધૂમ મચાવી હતી : આ કાર્યક્રમનું નામ બીનાકા ગીતમાલા હતું

નવી દિલ્હી,તા.૧૬: ૧૯૭૦ના દાયકામાં રેડિયો સાંભળવાનું ચલણ ખૂબ વધુ હતું. તે સમયે એક ખાસ કાર્યક્રમ ખુબ લોકપ્રિય બન્યો હતો. દેશના ખૂણે-ખૂણે આ કાર્યક્રમે ધૂમ મચાવી હતી. આ કાર્યક્રમનું નામ બીનાકા ગીતમાલા હતું. આ કાર્યક્રમનું સંચાલન કરનાર અમીન સયાનીના અવાજના જાદુએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમનો અવાજ સાંભળવા માટે લોકો દરરોજ સાંજે રેડિયો સામે બેસી જતા હતા. વર્તમાન સમયે ભારતમાં અનેક ખાનગી એફ.એમ ચેનલો છે, પરંતુ તેઓ બીનાકા ગીતમાલાની લોકપ્રિયતાની આજુબાજુમાં પણ નથી! આ કાર્યક્રમને ટૂથપેસ્ટ કંપની બીનાકાએ સ્પોન્સર કર્યો હતો. પરંતુ આ બ્રાન્ડ અચાનક કયાં ગાયબ થઈ ગઈ? તે અનેક લોકોને ખબર નથી.

તે દસકામાં રેડિયો સાંભળનારની સંખ્યા ખૂબ વધુ હતી. તે સમયે ટેલિવિઝન આવ્યું નહોતું. લોકો સાપ્તાહિક સંગીત કાર્યક્રમ બીનાકા ગીતમાલાના માધ્યમથી ગીતોની લોકપ્રિયતાના આધારે શ્રેષ્ઠતાની સ્પર્ધાની જાણકારી મેળવી શકતા હતા. સ્થિતિ એવી થઈ ગઈ કે, બીનાકા બ્રાન્ડ હિન્દી ફિલ્મોના ગીતો સાથે જોડાઈ ગઈ હતી. આ કાર્યક્રમે ચાર દાયકા સુધી લોકોનું મનોરંજન કર્યું અને સાથે સાથે બીનાકાની પબ્લિસિટી પણ થઈ હતી.

બીનાકાની સૌથી પ્રખ્યાત પ્રોડકટ ટૂથપેસ્ટ હતી. જે ૧૯૫૧માં FMCG પ્રોડકશનની જાણીતી વ્યકિત રેકિટ બેન્કિસર દ્વારા શરૂ કરવામાં આવી હતી. ૧૯૭૦ના દાયકામાં બીનાકા ભારતની સૌથી પ્રખ્યાત ટૂથપેસ્ટ હતી. ટૂથપેસ્ટની દુનિયામાં આ તે સમય હતો, જયારે આજની પ્રખ્યાત બ્રાન્ડ કોલગેટને ફોરહન્સ અને મેકલીન્સ સાથે હરીફાઈ કરવી પડતી હતી.

ગીતમાલા કાર્યક્રમ સાથે જોડવા સ્પોન્સરશિપના વિચારના કારણે બીનાકા ખૂબ પ્રખ્યાત થઈ ગયું હતું. તે સમયે મોટી બ્રાન્ડ તરીકે સ્થાપિત થયું હતું. બીનાકા માત્ર દાંત માટે જ નહીં, પરંતુ કાન માટે પણ પ્રોડકટ બનાવતી હતી. જેના કારણે તેને બજારમાં એક અલગ જ સ્થાન મળ્યું હતું.

આ કાર્યક્રમ અને બીનાકાને લોકપ્રિય બનાવવા માટે કાર્યક્રમના સંચાલક અમીન સયાની ખૂબ મહત્વની ભૂમિકા હતી

આ કાર્યક્રમ અને બીનાકાને લોકપ્રિય બનાવવા માટે કાર્યક્રમના સંચાલક અમીન સયાની ખૂબ મહત્વની ભૂમિકા હતી. તેમના જાદુઈ અવાજમાં શ્રોતાઓ મંત્રમુગ્ધ થઇ જતા હતા. બીનાકા ગીતમાલામાં તેઓ જે રીતે સ્વાગત કરતા, તે સ્ટાઈલ ને આજે પણ યાદ કરવામાં આવે છે. આટલું જ નહીં, તેમની ગીતમાલા રજૂ કરવાની સ્ટાઈલ શ્રોતાઓમાં નવા ગીતોના લોકપ્રિયતાના ક્રમને લઈને રોમાંચ પેદા કરી દેતી હતી.

જાહેરાતના પ્રખ્યાત તજજ્ઞ અને ફિલ્મ નિર્માતા પ્રલ્હાદ કકડ માને છે કે, નવી પ્રોડકટ હોવા છતાં બીનાકાની સફળતા પાછળ તેની સફળ માર્કેટિંગ વ્યૂહરચના કારણભૂત હતી. રેડિયો સિલોનનાં સમર્પિત ગીતોની કલ્પનાને હિન્દી ફોર્મેટમાં સફળતાપૂર્વક કેવી રીતે ઉપયોગમાં લેવામાં આવી તે માર્કેટિંગના વિદ્યાર્થીઓ માટેની કેસ સ્ટડી છે. તે સમયે બીનાકા ટૂથપેસ્ટમાં એક નાનકડું રમકડું મળતું હતું. જેથી બાળકોમાં આ બ્રાન્ડ ખાસ લોકપ્રિય હતી.

ગીતમાલા કાર્યક્રમ બંધ થયા બાદ બીનાકા ધીમે ધીમે ગાયબ થવા લાગ્યું હતું. વર્ષ ૧૯૯૬માં ડાબર દ્વારા બીનાકાને ખરીદી લેવાઈ હતી. કંપનીનો ઉદ્દેશ્ય તેના સફેદ ટૂથપાવડરને લોકો સુધી પહોંચાડવાનો હતો. કંપનીએ બીનાકાના નામે ટૂથપાવડર પણ શરૂ કર્યું હતું. પરંતુ એક વર્ષ પછી તે ઓછા વેચાણને કારણે બંધ કરાયું હતું. વર્ષ ૨૦૦૨માં ડાબરે બીનાકા બ્રાન્ડને વેચવા માટે કન્સલ્ટન્સી ફર્મની નિમણૂક કરી પરંતુ બીનાકા બ્રાન્ડ વેચી શકી નહીં.

આજે ડાબર પાસે બીનાકા બ્રાન્ડ છે. પરંતુ આ નામના ઉત્પાદનો હવે બજારમાં ઉપલબ્ધ નથી. જોકે, બીનાકા ગીતામાલાની લોકપ્રિયતાએ આજે   પણ લોકોના હ્ર દયમાં આ બ્રાન્ડની જીવિત રાખી છે. આજની પેઢીને બીનાકાના ઉત્પાદનો જોવા માટે નહીં મળે, પરંતુ આજે પણ દ્યણા લોકોને તેમના બાળપણની આ પ્રિય ટૂથપેસ્ટ યાદ છે!.

(10:17 am IST)