મુખ્ય સમાચાર
News of Wednesday, 16th June 2021

કોલકતા, નેપાલ, દુબઇ રૂટથી દાણચોરીઃ ૬ મહિનામાં પ૦ કરોડથી વધુ સોનુ ઝડપાયું

સોનાની દાણચોરીનું કેન્દ્ર બન્યું લખનઉ : ચિત્ર-વિચિત્ર નુસ્ખા અજમાવે છે ભેજાબાજો!

લખનઉ, તા., ૧૬: સોના ઉપર ૧ર.પ ટકા ઇમ્પોર્ટ ડયુટી અને ૩.૦ ટકા જીએસટી લાગતી હોવાથી તસ્કરોની દાઢ ડળકી છે. લખનઉ સોનાની દાણચોરીનું સૌથી મોટુ બજાર બની ચુકયું છે. લોકડાઉનમાં દુબઇ અને સંયુકત અરબ અમીરાતથી આવવાવાળી ઇન્ટરનેશનલ ફલાઇટથી દરરોજ લવાતુ દાણચોરીનું સોનુ લખનઉ અને વારાણસી એરપોર્ટ ઉપર સમયાંતરે ઝડપાતું રહયું છે. છેલ્લા ૬ મહિનાની વાત કરીએ તો આ બંન્ને એરપોર્ટથી પ૦ કરોડથી વધુ ગેરકાયદે સોનુ પકડાઇ ચુકયું છે.

સોમવારે લખનઉ એરપોર્ટ ઉપર ૧.૧૭ કરોડ રૂપીયાની કિંમતનું સોનુ પકડાયું હતું. લખનઉમાં ૩ રૂટથી દાણચોરીનું સોનુ આવે છે. સૌથી વધુ કોલકતા, બીજા નંબર ઉપર નેપાળ અને ત્રીજા નંબર ઉપર દુબઇ છે. સૌથી વધુ રોચક છે દાણચોરી માટે અપનાવાતા જુદા-જુદા કીમીયા.

પગમાં પહેરવાની માછલી-વિંછીયા બનાવી પર્સમાં લવાય છે

કસ્ટમ્સની ટીમે જાન્યુઆરી મહિનામાં લખનઉના ચૌધરી ચરણસિંહ એરપોર્ટ ઉપર જેદ્દાથી દાણચોરીનું સોનુ લઇને આવી રહેલા એક યાત્રીકને પકડયો હતો. તેની પાસે ૧૦.૪૧ લાખનું સોનુ કબ્જે થયું. ડે.કમિશ્નર નીહારીકા લાખાના જણાવ્યા મુજબ મુસાફર સોનાના છલ્લા બનાવી હેન્ડ બેગમાં અને પર્સમાં લખનઉ લાવ્યા હતા. લખનઉના અમીનાબાદ ચોક આલમબાગ, ઇન્દીરાનગર, ગોમતીનગરમાં એક દિવસમાં ૬૦ થી ૭૦ કિલો સોનાનો કારોબાર થાય છે.

ટ્રોલી બેગમાં છુપાવી લવાય છે સોનુ

લખનઉ એરપોર્ટ ઉપર ફેબ્રુઆરીમાં એક દાણચોર પકડાયો હતો. ટ્રોલી બેગના જુદા-જુદા ભાગમાં સોનુ લવાયું હતું. ૯ લાખથી વધુનું આ સોનુ જુદી-જુદી ૪૬ જગ્યાએથી સ્ક્રુ ખોલી કબ્જે લેવાયું હતું. દુબઇથી આવેલા મુસાફરોની બેગમાંથી આ સોનુ કબ્જે થયું હતું.

પાણીની બોટલમાં સોનાની તસ્કરી

વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર યુએઇથી આવવાવાળી એક ફલાઇટમાંથી કેટલાક લોકોને પકડવામાં આવ્યા હતા. આ લોકો પાણીની બોટલના તળીયે અને ઢાંકણાની નીચે સોનુ છુપાવી લાવ્યા હતા. ૬ યાત્રીકો પાસેથી ૧ કિલો સોનુ પકડાયું હતું. આ તમામ લોકો લખનઉના એક સ્મગલીંગ જુથ માટે કામ કરતા હતા.

પાવડરના રૂપમાં લવાય છે સોનુ

અમૌસી એરપોર્ટ ઉપર માર્ચમાં એક મુસાફરને પકડી પડાયો હતો. આ મુસાફર બેંગકોકથી પાઉડરના રૂપમાં પ્લાસ્ટીકની પતરીમાં સોનુ લાવી રહયો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ મોડી રાત્રે ૧.૪પ વાગ્યે થાઇસ્માઇલ એરવેઝની ફલાઇટ ડબલ્યુઇ-૩૩૩ માંથી ર૬૯ ગ્રામ સોનુ કબ્જે લેવાયું હતું.

મળદ્વારમાં સોનાના બિસ્કીટ છુપાવી દાણચોરી

૩ અલગ-અલગ મામલામાં પકડાયેલા લોકોએ પોતાના મળદ્વારમાં સોનાના બિસ્કીટ છુપાવ્યા હતા! દુબઇથી આવવાવાળી ફલાઇટમાં તેઓ ઉતર્યા હતા. શંકાના આધારે શારીરીક છાનબીન કરવામાં આવતા મળદ્વારમાં છુપાવાયેલા સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા.

કચરાના ડબ્બામાં છુપાવી તસ્કરી

વિમાનના છેલ્લા હિસ્સાના બે ટોયલેટોમાં રહેતા કચરાના ડબ્બાના ફલેપની નીચેના ભાગોમાં સોનાની પ્લેટ ચીપકાવી લવાય રહેલું સોનુ પકડાયંુ હતું જેની કિંમત કરોડોમાં હતી.

શા માટે થાય છે તસ્કરી?

શરાફી કારોબારીઓને તસ્કરીનું સોનુ બેંક પાસેથી ખરીદાતા એક નંબરના સોનાની સરખામણીએ ૧.૬૦ લાખ રૂપીયા સસ્તુ મળે છે. કારોબારી બેંક (ટેક્ષ સહિત)નું સોનુ ૩પ.૭૦ લાખમાં લ્યે છે. જયારે તસ્કરો આ સોનાને ૩૪.૧૦ લાખ રૂપીયામાં આપે છે.

(3:37 pm IST)