મુખ્ય સમાચાર
News of Wednesday, 16th June 2021

NPSમાં જમા સંપૂર્ણ નાણા ઉપાડી શકાશે

ઉપાડની મર્યાદા ૨.૫ લાખ કરાઇ : એનપીએસમાં જોડાવા માટેની વયમર્યાદા ૭૦ વર્ષ

નવી દિલ્હી તા. ૧૬ : કોરોના મહામારીએ લોકોને ભારે હેરાન પરેશાન કર્યા છે તેના કારણે દરેક ક્ષેત્રોમાં નુકસાન થયું છે. રોકાણકારો પણ નફા અંગે ચિંતીત છે. મધ્યમવર્ગીય પરિવારો માટે બચત કરવી સરળ નથી. ઓછો ખર્ચ કરવા છતાં મધ્યમવર્ગીય પરિવારો પૈસા બચાવી શકતા નથી. એવામાં હવે પેન્શન ફંડ રેગ્યુલેટર એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટીએ નેશનલ પેન્શન સિસ્ટમના સબ્સક્રાઇબર્સને મોટી રાહત આપી છે. પીએફઆરડીએ એ એનપીએસ ગ્રાહકોને પૂરેપૂરા પૈસા ઉપાડવાની મંજુરી આપી.

પેન્શનરો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) નેશનલ પેન્શન સિસ્ટમના (National Pension Scheme) સબ્સ્ક્રાઇબર્સને તેમના સંપૂર્ણ નાણા ઉપાડવાની મંજૂરી આપી છે. એટલે કે, હવે એનપીએસ સબ્સક્રાઇબર્સ પેન્શન ખાતામાંથી પૂરી રકમ ઉપાડી શકશે. પીએફઆરડીએના જણાવ્યા મુજબ, જેની કુલ પેન્શન કોર્પસ ૫ લાખ રૂપિયા કે તેનાથી ઓછી છે, તેઓ એન્યુઇટી પ્લાન ખરીદ્યા વિના તેમના સંપૂર્ણ નાણા ઉપાડી શકે છે.PFRDA એ એમ પણ કહ્યું હતું કે, પેન્શન ફંડમાંથી સમય પહેલા ઉપાડની મર્યાદા પણ હાલના ૧ લાખ રૂપિયાથી વધારીને ૨.૫ લાખ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસમાં જોડાવા માટેની ઉપલી વયમર્યાદા હવે ઘટાડીને ૭૦ વર્ષ કરવામાં આવી છે અને બહાર નીકળવાની મર્યાદા ૭૫ વર્ષ કરી દેવામાં આવી છે.

એનપીએસ એક સરકારી નિવૃત્તિ બચત યોજના છે, જે ૨૦૦૪ માં કેન્દ્ર સરકારે શરૂ કરી હતી. વર્ષ ૨૦૦૯ થી આ યોજના ખાનગી ક્ષેત્રમાં કાર્યરત લોકો માટે પણ શરૂ કરવામાં આવી હતી. આ યોજના નાણાં મંત્રાલયના પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ આવે છે.

(4:08 pm IST)