મુખ્ય સમાચાર
News of Wednesday, 16th June 2021

મુંબઈ કાંદીવલી વિસ્તારની એક હાઉસિંગ સોસાયટીમાં રહેતા રહીશો વૅક્સિનેશન કૌભાંડનો ભોગ બન્યા : 390 લોકો પાસેથી 5 લાખ પડાવ્યા : બે શખ્સોની પૂછપરછ માટે અટકાયતમાં

મુંબઈ: શહેરના કાંદીવલી વિસ્તારની એક હાઉસિંગ સોસાયટીમાં રહેતા રહીશોએ વૅક્સિનેશન કૌભાંડનો ભોગ બન્યા હોવાનો આરોપ લગાવ્યો છે. તેમનો દાવો છે કે, તેમને નકલી કોરોના વિરોધી રસી આપવામાં આવી છે.

અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કાંદીવલી સ્થિત હીરાનંદાની હાઉસિંગ સોસાયટીના કોમન પ્લોટમાં 390 લોકોને કોવિશીલ્ડની વૅક્સિન લગાવવામાં આવી હતી. સોસાયટીમાં રહેતા રહીશોના જણાવ્યા પ્રમાણે, રાજેશ પાંડે નામના એક શખ્સે ખુદને કોકિલાબેન અંબાણી હોસ્પિટલના અધિકારી તરીકે ઓળખ આપીને સોસાયટીના કમિટી મેમ્બર્સનો સંપર્ક કર્યો હતો.

વૅક્સિનેશન અભિયાનનું મેનેજમેન્ટ સંજય ગુપ્તાએ કર્યું, જ્યારે મહેન્દ્રસિંહ નામના એક વ્યક્તિએ સોસાયટીના સભ્યો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા. મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને બે લોકોને પૂછપરછ માટે અટકાયતમાં પણ લીધા છે.

સોસાયટીમાં રહેલા હિતેશ પટેલ નામના શખ્સે જણાવ્યું કે, મારા પુત્રએ પણ વૅક્સિન લીધી હતી. દરેક ડોઝ માટે અમારી પાસેથી 1,260 રૂપિયા લેવામાં આવ્યા હતા. વૅક્સિન લીધા બાદ અમારા મોબાઈલ પર કોઈ પણ પ્રકારનો મેસેજ આવ્યો નહતો. આટલું નહીં, વૅક્સિન લેવા દરમિયાન અમને કોઈ પણ પ્રકારની સેલ્ફી કે ફોટો ખેંચવાની પણ મંજૂરી નહતી આપવામાં આવી.

સોસાયટીના 390 લોકોએ 1,260 રૂપિયા પ્રતિ વૅક્સિનના ડોઝ હિસાબે ચૂકવણી કરી છે. એવામાં 5 લાખ રૂપિયાની ઠગાઈની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લોકોનો શક ત્યારે વધારે મજબૂત બન્યો, જ્યારે કોઈ શખ્સમાં વૅક્સિન લીધા બાદ થનારી અસરો જોવા ના મળી.

હીરાનંદાની સોસાયટીમાં રહેતા ઋષભ કામદાર નામના શખ્સે જણાવ્યું કે, વૅક્સિન લીધા બાદ જ્યારે કોઈ પણ પ્રકારના લક્ષણો કે આડ અસર ના જોવા મળતા અમને નવાઈ લાગી. જે બાદ અમે તપાસ શરૂ કરી, કારણ કે કોઈને પણ વૅક્સિન લીધા બાદ તાત્કાલીક સર્ટીફિકેટ આપવામાં આવ્યું નહતું. આ અંગે સબંધિત હોસ્પિટલનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે કોઈ પણ સોસાયટીમાં વૅક્સિનેશન ઝૂબેશ શરૂ કરવાનો ઈન્કાર કર્યો હતો. હાલ મુંબઈ પોલીસે 2 લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:11 pm IST)