મુખ્ય સમાચાર
News of Friday, 16th July 2021

પંજાબ કોંગ્રેસનું કોકડું વધુ ગૂંચવાયું : કેપ્ટન અમરિંદર અને નવજોતસિંહ સિધ્ધુ જૂથની આપાતકાલિન બેઠક

હરીશ રાવતે કરવી પડી સ્પષ્ટતા : કહ્યું-સિદ્ધુને પ્રદેશ પ્રમુખ બનાવવા એ પણ એક વિકલ્પ છે. મારો કહેવાનો અર્થ એમ નથી કે સિદ્ધુ પ્રદેશ પ્રમુખ બનશે જ.

પંજાબમાં કોંગ્રેસમાં સિદ્ધુ અને અમરિંદર વચ્ચે ચાલતા ઘર્ષણનો અંત લાવવાની ફોર્મ્યુલા શોધી લેવામા આવી છે અને આ ફોર્મ્યુલા હેઠળ કેપ્ટન અમરિંદર સિંઘ પંજાબના મુખ્યમંત્રી પદે યથાવત્ રહેશે. જ્યારે નારાજ નેતા નવજોત સિંહ સિદ્ધુને કોંગ્રેસનો પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. કોંગ્રેસ નેતા હરિશ રાવતના આ નિવેદન સામે આવ્યા બાદથી કેપ્ટન અમરિંદર નારાજ હોવાનું સામે આવતા જ સિદ્ધુએ પોતાના ગ્રૂપના નેતાઓની ઈમરજન્સી બેઠક યોજી હતી.

  સિદ્ધુ સહિતના નેતાઓએ બેઠકમાં ચર્ચા કરી કે, જો કેપ્ટન અમરિંદર સિંઘ સિદ્ધુને પ્રદેશ પ્રમુખ પદે બિરાજતા અટકાવે તો સિદ્ધુ જૂથના નેતાઓની આગામી રણનીતિ શું રહેશે. સિદ્ધુ ગ્રૂપના નેતાઓની ઈમરજન્સી બેઠક યોજાયા બાદ જ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘે પોતે પણ એક ઈમરજન્સી બેઠક યોજી હતી.

  કેપ્ટન અમરિંદર અને સિદ્ધુ ગ્રૂપની આપાતકાલિન બેઠક વચ્ચે હરીશ રાવતે પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરી હતી. હરીશ રાવતે કહ્યું કે, 'હું સોનિયા ગાંધીને ઉત્તરાખંડ મુદ્દે ચર્ચા કરવા મળ્યો હતો. મને પંજાબ અંગે સવાલ કરાતા મે એમ કહ્યું હતું કે- સિદ્ધુને પ્રદેશ પ્રમુખ બનાવવા એ પણ એક વિકલ્પ છે. મારો કહેવાનો અર્થ એમ નથી કે સિદ્ધુ પ્રદેશ પ્રમુખ બનશે જ.

(12:00 am IST)