મુખ્ય સમાચાર
News of Friday, 16th July 2021

ખેડૂત પુત્રને એમેઝોનમાં વાર્ષિક ૬૭ લાખનું પેકેજ

સોનીપતના ખેડૂતના પુત્રની સિધ્ધિ : પરિવારની આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હતી કે તેણે ટ્યુશન આપીને પોતાના બીટેકની ફી ચૂકવી હતી

રોહતક, તા.૧૫ : સોનીપતના એક ખેડૂતના ૨૨ વર્ષીય પુત્રને કે એમેઝોનમાં વાર્ષિક ૬૭ લાખ રૂપિયાનું પેકેજ મળ્યું છે. તેમની આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હતી કે તેણે ટ્યુશન આપીને પોતાના બીટેકની ફી ચૂકવી હતી.

સોનીપતની દીનબંધુ છોટુ રામ યુનિર્સિટી ઓફ સાયન્સ અને ટેક્નોલોજીના અવનિશ છિકારાના પિતા ક્રાવેરી ગામમાં ખેડૂત અને ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. જોકે, તેમણે કરેલી આકરી મહેનત લેખે લાગી છે અને તેમના પુત્રએ તેમને ગર્વ અપાવ્યો છે.

મીડિયા સાથેની વાતચીતમાં અવનિશે તેના અને તેના પરિવારે કરેલા સંઘર્ષની વાત જણાવી હતી. તેણે કહ્યું હતું કે, ઘણી વખત એવો સમય પણ આવ્યો હતો કે મારી પાસે યુનિવર્સિટીની ફી ભરવાના રૂપિયા પણ ન હતા પરંતુ હું ગમે તેમ કરીને ફી ભરી લેતો હતો. તે માટે હું ટ્યુશન પણ આપતો હતો. અવનિશે જણાવ્યું હતું કે તે પોતાના એન્જીનિયરિંગ ક્લાસ પૂરા કર્યા બાદ દરરોજ ૧૦ કલાક અભ્યાસ કરતો હતો. તેણે કોરોના કાળ દરમિયાન એમેઝોનમાં ઈન્ટર્નશિપ માટે અરજી કરી હતી જ્યાં ૨.૪૦ લાખ રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવતા હતા. તેણે કહ્યું હતું કે ઈન્ટર્નશિપ પૂરી કર્યા બાદ અમેરિકાની આ જાયન્ટ કંપનીએ તેને ૬૭ લાખ રૂપિયા પ્રતિ વર્ષના પેકેજની ઓફર કરી હતી. જે એક વર્ષ બાદ ૧ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર પ્રોફેસર અનાયથે અવનિશને તેની સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે આર્થિક તંગી ધરાવતા પરિવારમાંથી આવતા વિદ્યાર્થીએ આટલી મોટી સિદ્ધિ મેળવી તેનો તેમને ગર્વ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે અન્ય વિદ્યાર્થીઓ પણ તેના સંઘર્ષ અને પ્રતિબદ્ધતામાંથી પ્રેરણા લેશે.

(12:00 am IST)