મુખ્ય સમાચાર
News of Friday, 16th July 2021

બંગાળમાં કાયદાનું નહીં શાસકનો કાયદો ચાલે છે

બંગાળમાં ચૂંટણી બાદની હિંસા પર NHRCનો રિપોર્ટ : હિંસાની તપાસ સીબીઆઈ પાસે કરાવવા, સુનાવણી માટે રાજ્ય બહાર ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના માટેની ભલામણ

કોલકત્તા, તા.૧૫ : બંગાળમાં ચૂંટણી બાદ હિંસા પર રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (એનએચઆરસી) તરફથી કોલકત્તા હાઈકોર્ટને સોંપવામાં આવેલ અંતિમ રિપોર્ટમાં રાજ્ય તંત્ર પર આકરી ટિપ્પણી કરવામાં આવી છે. ૫૦ પેજના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય પ્રશાસને જનતામાં પોતાનો વિશ્વાસ ગુમાવી દીધો છે. ટીમે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે, કવિગુરૂ રવીન્દ્રનાથ ટાગોરની ધરતી બંગાળમાં 'કાયદાનું રાજ' નથી, પરંતુ અહીં 'શાસકનો કાયદો' ચાલી રહ્યો છે. રિપોર્ટમાં ચૂંટણી બાદ હિંસાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની ભલામણ કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે ઘટનાની સુનાવણી રાજ્યની બહાર ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરીને થાય. તો એનએચઆરસીના રિપોર્ટ પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, આ બંગાળને બદનામ કરવાનું ષડયંત્ર છે.

તપાસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કમિટીને તપાસ દરમિયાન ૧૯૦૦થી વધુ ફરિયાદ મળી છે. તેમાંથી અનેક મામલા ગંભીર ગુનાઓ સંબંધિત હતા. દુષ્કર્મ, હત્યા, આગ જેવા અનેક કેસો સામે આવ્યા, જેની ફરિયાદ હજુ સુધી લેવામાં આવી નથી. પોલીસ પર લોકોને વિશ્વાસ નથી, તેની ફરિયાદ સાંભળવામાં આવતી નથી. રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે આશરે ૧૯૭૯ કેસને રાજ્યના ડીજીપીને મોકલવામાં આવ્યા છે, જેથી મામલામાં એફઆરઆઈ દાખલ થાય. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાગના કેસોમાં ધરપકડ થઈ નથી, જો કોઈ ધરપકડ થઈ છે તો આરોપીઓ જામીન પર છૂટી ગયા છે.

કમિટીએ કહ્યું કે, રાજ્યમાં ચૂંટણી બાદ થયેલી હિંસા દરમિયાન હત્યા અને દુષ્કર્મ સહિત અનેક કેસ સામે આવ્યા છે. આ કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવામાં આવ્યા અને તેની સુનાવણી રાજ્યની બહાર થાય. આ સિવાય અન્ય ગંભીર ગુનાઓ માટે એસઆઈટીની રચના કરવામાં આવે. એસઆઈટીનું મોનિટરિંગ કોર્ટ કરે. આ સિવાય પીડિતોને આર્થિક સહાયતાની સાથે તેના પુનર્વાસ, સુરક્ષા અને આજીવિકાની વ્યવસ્થા કરાવવામાં આવે. કમિટીએ તે પણ ભલામણ કરી છે કે નિવૃત જજની દેખરેખમાં મોનિટરિંગ કમિટી બને અને દરેક જિલ્લામાં એક સ્વતંત્ર ઓફિસર ઓબ્ઝર્વરના રૂપમાં તૈનાત કરવામાં આવે. કમિટીએ ભલામણ કરી છે કે તપાસનો આદેશ જેટલો જલદી બને એટલો જલદી આપવામાં આવે છે કારણ કે સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. પીડિતોને ધમકીઓ મળી રહી છે.

બંગાળમાં ચૂંટણી બાદ હિંસાના મામલામાં સુનાવણી કરતા કોલકત્તા હાઈકોર્ટે માનવાધિકાર પંચને એક કમિટીની રચના કરી તપાસના આદેશ આપ્યા હતા. કોર્ટના આદેશ બાદ પંચે રાજીવ જૈનની અધ્યક્ષતામાં એક સાત સભ્યોની કમિટી બનાવી હતી.

આ ટીમમાં અલ્પસંખ્યક પંચના ઉપાધ્યક્ષ અતીફ રશીદ, મહિલા આયોગના ડો. રાજૂબેન દેસાઈ, એનએચઆરસીના ડીજી સંતોષ મેહરા, બંગાળ માનવાધિકાર પંચના રજીસ્ટ્રાર પ્રદીપ કુમાર પંજા, રાજ્ય લીગલ સર્વિસ કમિશનના સચિવ રાજૂ મુખર્જી, ડીઆઇજી મંજિલ સૈની સામેલ હતા.

(12:00 am IST)