મુખ્ય સમાચાર
News of Friday, 16th July 2021

એલએસી પર ચીન દ્વારા કાયમી કેમ્પનું નિર્માણ

ચીનની વધુ એક અવરચંડાઈ : ચીની સેના અહીં કોંક્રિટ કેમ્પ બનાવે છે, આનાથી સરહદી વિસ્તારોમાં સૈન્ય તૈનાત કરવાનું તેમના માટે સરળ બનશે

નવી દિલ્હી, તા.૧૫ : ભારત સાથેના સરહદ વિવાદને લઈને એક તરફ ચીન વાટાઘાટોમાં રોકાયેલું છે, તો બીજી તરફ તેના સૈનિકો ખૂબ જ  ચાલાકીથી લાઇન ઓફ એક્યુઅલ કંટ્રોલ (એલએસી) ની નજીક કાયમી કેમ્પ બનાવવા લાગ્યા છે. આવું કરીને ચીની સૈનિકો થોડી મિનિટોમાં જ વિવાદિત વિસ્તારોમાં પહોંચી શકે છે. એએનઆઈ ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં સરકારી સૂત્રોએ જણાવ્યું કે આવા કેમ્પ ચીનના વિસ્તારની અંદર કેટલાક કિલોમીટરના અંતરે છે. તે ઉત્તર સિક્કિમ વિસ્તારની ઠીક સામે આવેલા છે.

આ વિસ્તાર તે વિસ્તારની થોડી મિનિટો દૂર છે. જ્યા ગયા વર્ષે અને આ વર્ષે જાન્યુઆરીમાં ભારતીય અને ચીની સૈન્યના સૈનિકો વચ્ચે લોહીયાળ સંઘર્ષ થયો હતો, સૂત્રએ એમ પણ કહ્યું કે ચીની સેના અહીં કોંક્રિટ કેમ્પ બનાવી રહી છે. આનાથી સરહદી વિસ્તારોમાં તેમનું સૈન્ય તૈનાત કરવાનું તેમના માટે સરળ બનશે. અહીંના માર્ગો પણ ખૂબ સારા છે. આને કારણે ચીની સેના ભારતીયો કરતા વહેલા સરહદ પર પહોંચી જશે. સૂત્રનું કહેવું છે કે આવી આધુનિક ઇમારતોનું નિર્માણ પૂર્વી લદ્દાખ અને અરૂણાચલ સેક્ટરમાં પણ જોવા મળ્યું છે. આવા સ્થાન બનાવવાની સાથે, શિયાળા દરમિયાન પણ ચીનના સૈનિકો માટે વધારે મુશ્કેલી નહીં આવે. હમણાં સુધી, પૂર્વી લદ્દાખમાં સેનાની તૈનાતી દરમિયાન, ભારે ઠંડી દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આને કારણે લગભગ ૯૦ ટકા સૈનિકોને અહીંથી રોટેટ કરવા પડ્યા હતાં.

ચીનના આ કાયમી સેના કેમ્પ એ વાતનો સ્પષ્ટ સંકેત આપે છે, કે તે લાંબા સમય સુધી સરહદી વિસ્તારોમાં રહેવા માંગે છે. આ સિવાય ચીન પેંગોંગ વિસ્તારમાં કાયમી કેમ્પ પણ બનાવી રહ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે ગયા વર્ષે ગલવાન ખીણ અને અન્ય કેટલાક વિસ્તારોમાં ભારત અને ચીન વચ્ચેની અથડામણ બાદ તંગદિલીની પરિસ્થિતિ યથાવત્ છે.

(12:00 am IST)