મુખ્ય સમાચાર
News of Friday, 16th July 2021

ભારે વરસાદથી સમગ્ર મુંબઇ પાણી - પાણી

ગઇરાતથી એકધારો વરસાદ વરસતા રસ્તાઓ - સોસાયટીઓમાં ગોઠણ સુધીના પાણી ભરાયા : જનજીવન અસ્તવ્યસ્ત : રેલવે ટ્રેક ઉપર પાણી ભરાતા ટ્રેન સેવાને અસર : વાહનચાલકો ફસાયા : હજુ ભારે વરસાદની આગાહી

મુંબઇ તા. ૧૬ : મુંબઇમાં ગઇકાલે રાતથી એકધારો વરસાદ વરસતા સમગ્ર શહેર પાણી.. પાણી.. થઇ ગયું છે. આફત સાથે આવેલા વરસાદને કારણે મુંબઇના અનેક રસ્તાઓ અને સોસાયટીઓમાં ગોઠણ સુધીના પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદને કારણે શહેરના નિચાણવાળા વિસ્તારો પણ પાણી પાણી થઇ ગયા છે. શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.

મુંબઇમાં ગઇકાલે રાતથી સતત વરસાદ વરસતા શહેરના શાંતાક્રુઝ, અંધેરી, હિન્દમાતા, સાયન, ગોરેગાંવ, અંધેરી સહિતના વિસ્તારોમાં ભારે પાણી ભરાઇ ગયા છે. હજુ ભારે વરસાદની આગાહી છે.

આજે દરિયામાં સાંજે ૪.૩૦ કલાકે હાઇટાઇડની ચેતવણી આપવામાં આવી છે. જેને કારણે સ્થિતિ વધુ ખરાબ બને તેવી શકયતા છે. એકધારા વરસાદને કારણે રેલ્વે ટ્રેક ઉપર પાણી ભરાતા ટ્રેન વ્યવહારને પણ અસર થઇ છે. ટ્રેન વ્યવહાર ખોરવાતા ઓફિસ જનારા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

ભારે વરસાદને કારણે રસ્તાઓ તળાવમાં ફેરવાતા ઠેર-ઠેર ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. મુંબઇની લોકલ ટ્રેન ૨૦ થી ૨૫ મિનિટ મોડી દોડી રહી છે.

જાણવા મળતી વિગત અનુસાર અંધેરી સબ-વેમાં ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાય ગયું છે. નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મુંબઇ મહાનગરપાલિકાની ટીમો રાહત અને બચાવ કામગીરીમાં લાગી છે.

મુંબઇઃ મુંબઇમાં એકધારો વરસાદઃ રાહત બચાવ માટે એનડીઆરએફની ત્રણ ટુકડી આવીઃ આજે સવારે ૮.૩૦ કલાકે પુરા થતા ૨૪ કલાકમાં ૨૫૩.૩ મી.મી. એટલે કે ૧૦ ઇંચથી વધુ વરસાદ શહેરમાં વરસ્યોઃ છેલ્લા ૧૨ વર્ષમાં જુલાઇમાં ત્રીજી વખત એક દિવસમાં સૌથી વધુ વરસાદ નોધાયોઃ આજે સવારે ૫.૩૦ થી ૮.૩૦ દરમિયાન ૬ ઇંચથી વધુ વરસાદ પડી ગયો

(3:06 pm IST)