મુખ્ય સમાચાર
News of Friday, 16th July 2021

કોરોના છે 'બહુરૂપિયો' : ભારતમાં ૨૩૦ વખત સ્વરૂપ બદલ્યુ

વૈજ્ઞાનિકોએ કર્યો ખુલાસો : બધા મ્યુટેશન માણસો માટે હાનિકારક નથી પણ અનેક ગંભીર મ્યુટેશન નુકસાન પહોંચાડી શકે છે : અમેરિકા પછી ભારત બીજો દેશ છે જ્યાં ડેલ્ટાના ત્રણ - ત્રણ મ્યુટેશન મળી ચૂકયા

નવી દિલ્હી તા. ૧૬ : કોરોના વાયરસના જીનોમ સીકવન્સીંગ અંગે મહત્વપૂર્ણ માહિતીઓ સામે આવી છે. વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના ૨૩૦ સ્વરૂપોની પુષ્ટિ થઇ ચૂકી છે. આમાંથી બધા મ્યુટેશન માણસો માટે હાનિકારક નથી પણ અમુક મ્યુટેશન નુકસાન પણ પહોંચાડી શકે છે. આવા ગંભીર મ્યુટેશનોમાંથી એક ડેલ્ટા દેશભરમાં ફેલાયો છે. થોડા સમય પહેલા સુધી ડેલ્ટાના બે વેરીયેન્ટ સામે આવ્યા હતા પણ હવે એક વધુ વેરીયેન્ટ મળ્યો છે જેને એવાય૩ નામ અપાયું છે.

અમેરિકા પછી ભારત બીજો એવો દેશ છે જ્યાં ડેલ્ટાના ત્રણ-ત્રણ મ્યુટેશન મળી ચૂકયા છે. જીનોમ સીકવન્સીંગનું ધ્યાન રાખતી ઇંસોકોગે રાજ્યોને એલર્ટ કરતા જણાવ્યું કે એવાય૩ વેરીયેન્ટના કેસ અત્યારે બહુ ઓછા છે પણ તેના પર અભ્યાસ ચાલી રહ્યો છે. વૈજ્ઞાનિકોનો સમુહ તેના પર નિગરાણી રાખી રહ્યો છે. હાલ તો આ વેરીયેન્ટ બાબતે વધારે માહિતી આપી શકાય તેમ નથી.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે ડેલ્ટા વેરીયન્ટમાં ત્રીજું મ્યુટેશન પણ થઇ ચૂકયું છે. આ મ્યુટેશન ઓઆરએફ૧એ : આઇ૩૭૩૧વીના સ્વરૂપમાં થયું છે. જેમાં એસઃ કે૪૧૭ સહાયક ભૂમિકામાં છે એટલે તેને એવાય૩ નામ અપાયું છે. હાલ તો આને પણ ડેલ્ટાની જેમ ગંભીર શ્રેણીમાં ગણવામાં આવી શકે છે.

ઇંસાકોગે સ્ટેટમેન્ટ બહાર પાડયું છે કે ડેલ્ટા વેરીયેન્ટના અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ એટલે કે એવાય૧ અને એવાય૨ મ્યુટેશન સામે આવ્યા છે જેના લગભગ ૮૦થી વધારે કેસ જાહેર થઇ ચૂકયા છે. આ બંને મ્યુટેશનો પર હજુ અભ્યાસ ચાલુ છે અને પ્રાથમિક પરિણામો દર્શાવે છે કે આ બંને મ્યુટેશનો ડેલ્ટાની જેમ ઝડપથી નથી ફેલાતા.

નવી દિલ્હીની આઇજીઆઇબીના એક સીનીયર વૈજ્ઞાનિકે જણાવ્યું કે, ડેલ્ટાનું વધુ એક મ્યુટેશન થયું છે. તેની ઓળખ હાલ ગુપ્ત રાખવામાં આવી છે કેમકે અમારી પાસે વધારે સાબિતીઓ નથી. એવાય૩ બાકી બે ડેલ્ટા પ્લસથી અલગ હોઇ શકે છે પણ અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.

(10:17 am IST)