મુખ્ય સમાચાર
News of Friday, 16th July 2021

ડેલ્ટા વેરિયન્ટના વધતા કેસો વચ્ચે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ

દુનિયા કોરોનાની ત્રીજી લહેરના પ્રારંભિક તબક્કામાં : WHO

નવી દિલ્હી,તા. ૧૬: ભારતમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને મોટાપાયે ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે. દેશમાં ડેલ્ટા વેરિયન્ટના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કોરોનાના સ્વરૂપમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે જેને પગલે ભારતમાં ત્રીજી લહેરનું જોખમ વધુ વધ્યું છે. એક વિદેશી બ્રોકરેજ ફર્મે પોતાની રિપોર્ટમાં આ ચિંતા વ્યકત કરી છે.

યુબીએસ સિકયોરિટીઝના મુખ્ય અર્થશાસ્ત્રી તન્વી ગુપ્તા જૈનનું કહેવું છે કે કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વધારે રહેલું છે. આર્થિક ગતિવિધિમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. કેટલાક રાજયોમાં કોરોનાના કેસો હળવા પડતા નિયંત્રણોમાં છૂટછાટ આપવામાં આવી છે. લોકોએ છૂટ મળતા જ બહાર નિકળવાનું શરૂ કરી દીધું છે જે જોખમને સામેથી આમંત્રણ આપવા સમાન સાબિત થઈ શકે છે. યુબીએસના રિપોર્ટ મુજબ છેલ્લા થોડા સમયથી વેકિસનેશનમાં પણ દ્યટાડો નોંધાયો છે. અગાઉ રોજ ચાર લાખ લોકોને રસીના ડોઝ અપાતા હતા જયારે હવે તે આંકડો ઘટીને ૩.૪ લાખ થઈ ગયો છે. કોરોનાના કુલ કેસ પૈકી ૪૫ ટકા કેસો ગ્રામ્ય વિસ્તારમાંથી મળી રહ્યા છે. 

રિપોર્ટ મુજબ ૨૦ ટકા જિલ્લાઓમાં અત્યાર સુધી બીજી લહેરની રફતાર ધીમી નથી પડી. આ પ્રદેશમાં હજુ પણ મોટાપાયે કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. એક મહિના પૂર્વે આ વિસ્તારમાં નવા કેસની ઝડપ દ્યટીને પાંચ ટકા થઈ હતી જેને પગલે કોરોનાની ત્રીજી લહેરની ચિંતા વધુ સતાવી રહી હતી. તન્વી ગુપ્તાએ આંકડાને ટાંકીને જણાવ્યું કે, કોરોના વચ્ચે આર્થિક ગતિવિધિ ભલે સામાન્ય થઈ રહી હોય, પરંતુ હજુ પણ મિશ્ર માહોલ છે. રેલવે તેમજ ડોમેસ્ટિક યાત્રિઓની સંખ્યા વધી રહી છે, પરંતુ ટોલ કલેકશન હજુ પણ પહેલાના સ્તરે નથી જોવા મળી રહ્યું. ગરમીને પગલે વીજ માંગમાં ૧૧ ટકાનો વધારો થયો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ ટેડ્રોસ અધનોમ દ્યેબરેસસે પણ કોરોના મહામારીની ત્રીજી લહેરને લઈને વિશ્વ સમક્ષ ચેતવણી ઉચ્ચારી છે. કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના કેસમાં વધારો થતા તેમણે કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ રીતે આપણે હવે ત્રીજી લહેરના પ્રારંભિક તબક્કામાં પહોંચી ગયા છીએ.  ડેલ્ટા વેરિયન્ટ હવે ૧૧૧ દેશોમાં પહોંચી ગયો છે અને વિશ્વના વધુ દેશોમાં હાવી થઈ શકે છે. અગાઉ પણ ડબલ્યુએચઓએ જણાવ્યું હતું કે દુનિયાના દરેક દેશોએ સપ્ટેમ્બર સુધીમાં વસ્તીના ૧૦ ટકા લોકોનું રસીકરણ પૂર્ણ કરી લેવું જોઈએ.

(11:04 am IST)