મુખ્ય સમાચાર
News of Friday, 16th July 2021

કોરોનાનું અત્યાર સુધી જે સ્વરૂપ જોયું છે, તે તો માત્ર ટ્રેલર છે, વધુ ખતરનાક બની શકેઃ WHO

દુનિયાભરમાં કોરોનાનાં કારણે અત્યાર સુધીમાં ૪૦ લાખથી વધુ લોકોનાં મોત થયા છે

નવી દિલ્હી,તા.૧૬: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની ઇમરજન્સી કમિટીએ ગુરૂવારે આપેલી ચેતવણી મુજબ, રોગચાળાનું  અત્યાર સુધી જે સ્વરૂપ જોયું છે, તે તો માત્ર ટ્રેલર છે અને ભવિષ્યમાં તે વધુ ખતરનાક તસવીર બતાવી શકે છે. WHO એ કહ્યું છે કે આગામી સમયમાં કોરોનાના નવા વેરિયેન્ટ્સ દુનિયાભરમાં ફેલાય તેવી સંભાવના છે, જે રોગચાળાને ખતમ કરવાનું વધુ મુશ્કેલ બનાવી શકે છે.

સમિતિએ જણાવ્યું કે, 'રોગચાળો હજી સમાપ્ત થવાનો નથી. એવી સંભાવના છે કે વૈશ્વિક સ્તરે વધુ ખતરનાક વેરિયેન્ટસ ફેલાઇ શકે છે, જેને નિયંત્રણમાં રાખવા વધુ પડકારજનક હશે. અત્રે ઉલ્લેખનિય છે કે અત્યાર સુધીમાં દુનિયાભરમાં કોરોનાનાં કારણે ૪૦ લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જયારે કુલ ૧૮ કરોડ ૯૩ લાખ લોકો સંક્રમિત થઇ ચુકયા છે.

કોરોના વાયરસ સતત તેનું સ્વરૂપ બદલી રહ્યું છે અને તેનો ડેલ્ટા વેરિઅન્ટ હાલમાં મોટાભાગના દેશોમાં કહેર મચાવી રહ્યો છે. ભારતમાં બીજી લહેર માટે જવાબદાર મનાતો આ વેરિયેન્ટ કોરોનાનું મૂળ સ્વરૂપ એટલે કે આલ્ફા વેરિએન્ટ કરતા વધુ સંક્રામક છે.

(11:06 am IST)