મુખ્ય સમાચાર
News of Friday, 16th July 2021

નેટફિલકસ પર યૂઝર્સ રમી શકશે વિડીયો ગેમ્સ : આગામી વર્ષ સુધીમાં લોન્ચ થશે

મુંબઇ તા. ૧૬ : નેટફિલકસ યુઝર્સ માટે ખૂબ જ સારા સમાચાર છે. હાલમાં એક રજૂ થયેલ રિપોર્ટ અનુસાર નેટફિલકસ ગેમિંગ સેગમેન્ટ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. નેટફિલકસ યૂઝર્સ હવે વિડીયો ગેમ પણ રમી શકશે. કંપની સીરિઝ અને ફિલ્મોના કેટલોગમાં અનેક વિડીયો ગેમ્સ શામેલ કરવાની યોજના બનાવી રહી છે. તે માટે નેટફિલકસે પૂર્વ ઈલેકટ્રોનિક આર્ટ્સ ઈન્ક અને ફેસબુક ઈન્ક સાથે જોડાયેલ સીનિયર એકઝીકયુટીવ સ્પેશિયાલીસ્ટને હાયર કર્યા છે.

કંપનીએ બુધવારે જણાવ્યું કે નેટફિલકસમાં ગેમ્સ ડેવલપમેન્ટના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે માઈક વર્દુ શામેલ થશે. માઈક વર્દુ પહેલા ફેસબુકના વાઈસ પ્રેસિડેન્ટ હતા, તેઓ ઓકુલસ વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટમાં ગેમ્સ અને અન્ય સામગ્રી માટે ડેવલપર્સ સાથે કામ કરતા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આગામી વર્ષ સુધીમાં નેટફિલકસ પોતાના વિડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર વિડીયો ગેમ્સ રજૂ કરવાનું વિચારી રહી છે. તે માટે કંપની અલગથી ચાર્જ લેવાની યોજના બનાવી રહી છે. આ સમાચાર બાદ નેટફિલકસના શેરમાં વૃદ્ઘિ જોવા મળી છે. આગામી સમયમાં નેટફિલકસ ગેમિંગ ટીમ બનાવવાની તૈયારી કરશે. કંપનીએ વેબસાઈટ પર ગેમ ડેવલપરની પોસ્ટ માટે જાહેરાત આપવાનુ શરૂઆત કર્યું છે.

નેટફિલકસની અનેક વિડીયો ગેમ સર્વિસ એપ્પલ આર્કેડ જેવી હશે, જે સબ્સક્રિપ્શન બેઝ વિડીયો ગેમ્સ સર્વિસ ઓફર કરે છે. એક વાર સબસ્ક્રિપ્શન કરીને ગ્રાહક કોઈપણ ગેમ રમી શકશે. કન્સલ્ટીંગ ફર્મ એકસેંચરના એપ્રિલના રિપોર્ટ અનુસાર ગ્લોબલ ગેમિંગનું માર્કેટ ૩૦૦થી વધુનું થઈ ગયું છે.

નેટફિલકસના આ નિર્ણયથી સ્ટ્રીમિંગ દિગ્ગજો માટે એક રેવન્યૂ જનરેટ કરવાનું વધુ એક માધ્યમ બની જશે. ત્યારે નેટફિલકસ પર હવે તમે મૂવી જોવાની સાથે સાથે વિડીયો ગેમ્સ રમીને પણ મનોરંજન મેળવી શકશો.

(2:30 pm IST)