મુખ્ય સમાચાર
News of Friday, 16th July 2021

લગ્ન પહેલા જ બહેને કહ્યું, 'છોકરો કાળો છે, લગ્ન નથી કરવા' : ભાઇએ કુહાડીથી બહેનને મોતને ઘાટ ઉતારી દીધી

એક ક્ષણીકભરના ગુસ્સાથી ખુશીનો પ્રસંગ માતમમાં છવાઇ ગયો : બહેને જીવ ગુમાવ્યો તો ભાઇએ જેલમાં જવું પડયું

રાયપુર તા. ૧૬ : લગ્ન એક પવિત્ર બંધન છે. અને લગ્ન હંમેશા બંને પરિવાર અને બે પાર્ટનરની સહમતિ થતા હોય છે. જો લગ્ન કરનાર યુવક અથવા યુવતી બંનેમાંથી એક પણને જો પાર્ટનર પસંદ ન હોય અને જબરદસ્તી તેના લગ્ન થાય તો, તે સંબંધ વધારે લાંબો સમય ટકાવવો મુશ્કેલ બની જાય છે. અને જીવન ઝેર જેવું બની જાય છે. આવા કિસ્સાઓ મોટાભાગે આજે પણ સમાજમાં જોવા મળે છે, તેમાં પણ યુવતીઓ સાથે. યુવતીઓને તેની પસંદ પણ પુછવામાં નથી આવતી. આવી જ એક ચોંકાવનારી ઘટના કર્ણાટકના રાયપુર જિલ્લાથી સામે આવી છે. જેમાં યુવતીની ના-પસંદની સજા તેણે પોતાનો જીવ ગુમાવી આપવી પડી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કર્ણાટકના રાયચુર જિલ્લાના દેવદુર્ગ તાલુકાના ગબ્બર ગામમાં ચંદ્રકલા નામની યુવતીના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. ચંદ્રકલાએ અચાનક લગ્નના બે દિવસ પહેલા જ યુવક સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. યુવતીએ તેના ભાઈને કહી દીધુ કે મારે આ યુવક સાથે લગ્ન નથી કરવા કારણ કે તે બહું કાળો છે. આ વાતનું એટલું ગંભીર પરિણામ આવ્યું કે, યુવતીએ જીવ ગુમાવવો પડ્યો છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, લગ્નના બે દિવસ પહેલા જ ચંદ્રકલાએ લગ્ન કરવાની ના પાડી દીધી. તેના ભાઈ શ્યામસુંદર દ્વારા બહેનને ખુબ સમજાવવામાં આવી પરંતુ તે માની રહી ન હતી. આખરે શ્યામસુંદરે ગુસ્સામાં કહી દીધી કે, તુ માને કે ન માને હવે તો લગ્ન કરવા જ પડશે. લગ્નની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. શ્યામસુંદરે કહ્યું કે, તારી મરજી બાદ જ લગ્ન નક્કી થયા છે, હવે લગ્નની અચાનક ના કેમ પાડે છે. ખુબ સમજાવી પરંતુ બહેન એક વાત માનવા તૈયાર ન થઈ.

બસ આ વાત પર બંને ભાઈ બહેન વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. ગુસ્સે ભરાયેલા શ્યામ સુંદરે બહેન ચંદ્રકલા પર કુહાડીથી હુમલો કરી દીધો. આ હુમલામાં ચંદ્રકલાને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. ભાઈ અને પરિવારના સભ્યો તેને તત્કાલીક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા પરંતુ, ત્યાં સુધીમાં બહેનના પ્રાણ રહ્યા ન હતા. આ ઘટના બાદ ભાઈને ખુબ પછતાવો થઈ રહ્યો. પરંતુ, એક ક્ષણિક ગુસ્સાને લઈ બહેને જીવ ગુમાવી દીધો છે.

ઘટનાની જાણ પોલીસને થતા ગબ્બર પોલીસે ચંદ્રકલાના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલી દીધો હતો. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી હુમલો કરનાર ભાઈ શ્યામસુંદરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા જ સમયમાં ખુશીનો પ્રસંગ માતમમાં છવાઈ ગયો, બહેને જીવ ગુમાવ્યો તો ભાઈએ જેલમાં જવું પડ્યું.

(2:30 pm IST)