મુખ્ય સમાચાર
News of Friday, 16th July 2021

સંસદનું ચોમાસુ સત્ર હંગામેદાર બનવાના એંધાણઃ કોરોના-મોંઘવારી મુદે તડાફડી બોલશે

જો કે સરકાર પણ લડી લેવાના મુડમાં છે

નવી દિલ્હી, તા.૧૬: સંસદના ચોમાસુ સત્રમાં સરકાર અને વિપક્ષો વચ્ચે મુખ્ય રીતે કોરોનાની બીજી લહેર અને પેટ્રોલીયમ પ્રોડકટોના ભાવ વધારા પર રાજકીય ટક્કર થશે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં બુધવારે મોડી રાત સુધી ચાલેલી કેબીનેટની મીટીંગમાં આ મુદાઓ પર બચાવની જગ્યાએ વિપક્ષો પર પલટવારની રણનીતિ બની હતી. વડાપ્રધાને ખાસ તો આરોગ્ય, પેટ્રોલીયમ અને નાણાંપ્રધાનને વિપક્ષી હુમલાઓના તથ્ય પૂર્ણ જવાબ આપવા પૂરી તૈયારી કરવાના આદેશ આપ્યા છે.

વિપક્ષોએ આ સત્ર દરમ્યાન કોરોનાની બીજી લહેરના કારણે થયેલ જાનમાલનું નુકશાન અને પેટ્રોલ ડીઝલના આભને આંબતા ભાવ પર સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે. જયારે સરકારે કોરોનાની બીજી લહેર દરમ્યાન વિપક્ષ શાસિત રાજયોએ દાખવેલી બેદરકારી, રસી બાબતે ફેલાવાયેલા ભ્રમ, પીએમ કેર ફંડમાંથી મળેલ વેન્ટીલેટરનો ઉપયોગ ન થવા જેવી બાબતો ઉઠાવીને વિપક્ષો પર હુમલો કરવાની તૈયારી છે. આવી જ રીતે પેટ્રોલ-ડીઝલની વધેલી કિંમતો બાબતે પણ સરકારે રાજયો દ્વારા વસૂલવામાં આવતા ભારે ટેક્ષને જવાબી હથિયાર બનાવવાની યોજના કરી છે.

બેઠકમાં વડાપ્રધાને પ્રધાનોને આત્મવિશ્વાસ સાથે પુરી તૈયારી કરવાનો મંત્ર આપ્યો. વડાપ્રધાને કહયું કે વિપક્ષી હુમલાનો તથ્યપૂર્ણ અને પુરા આત્મવિશ્વાસ સાથે જવાબ આપવો. તેમણે ખાસ તો નાણા, પેટ્રોલીયમ અને આરોગ્ય પ્રધાનોને વધારે તૈયારી કરવા નિર્દેશ કર્યો. રાજયકક્ષાના પ્રધાનોને પણ કેબીનેટ પ્રધાનો અને મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરીને સંપૂર્ણ માહિતી રાખવા કહયું હતું.

સત્ર પહેલા વિપક્ષી હુમલાનો જવાબ આપવા માટે રવિવારે એનડીઓના સહયોગી પક્ષોની બેઠક થશે. એ જ દિવસે ભાજપા સંસદીયદળની પણ બેઠક થશે.

(3:11 pm IST)