મુખ્ય સમાચાર
News of Friday, 16th July 2021

યુરોપમાં કેસ વધ્યા તે આપણા માટે ચેતવણી : આપણે ત્રીજી લહેરના દરવાજે : તેને રોકવી પડશે

૬ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજતા વડાપ્રધાન : કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા પીએમએ આપ્યા '4Tનો મંત્ર' ટેસ્ટ, ટ્રેક, ટ્રિટ અને ટીકા એટલે કે રસી

નવી દિલ્હી તા. ૧૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છ રાજ્યોના મુખ્યમંત્રીઓને તેના રાજ્યોમાં કોરોનાની હાલની સ્થિતિ પર સમીક્ષા કરી. પીએમ મોદીએ કહ્યું કે, આપણે કોરોનાની ત્રીજી લહેરની સામે ઉભા છીએ. એવામાં કોરોના વિરૂધ્ધ પ્રભાવી પગલુ ઉઠાવવું ખૂબ જ જરૂરી છે. પીએમે કહ્યું કે, આ મામલે રણનીતિ બની છે. જે તમે લોકો અપનાવી રહ્યા છો. પીએમ મોદીએ કહ્યું કે, મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ રાજ્યોએ ત્રીજી લહેરની આશંકાને રોકવી પડશે. કોરોના પર મોદીએ વધુમાં ઉમેર્યું કે, ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકા પર ભાર મુકવા અપીલ કરી છે.

પીએમ મોદીએ કોરોનાની ત્રીજી લહેરનો મુકાબલો કરવા માટે 4T નો મંત્ર આપ્યો. પીએમ મોદીએ કહ્યું કે, ટેસ્ટ, ટ્રેક એટલે કે સંક્રમિતો અંગેની જાણકારી મેળવવા, ટ્રીટ એટલે કે સારવાર અને હવે રસી પીએમે કહ્યું કે, આ તપાસ થઇ ગયેલો અને સાબિત થઇ ચૂકેલી રીત છે.

આ બેઠકમાં તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઇ.એસ.જગનમોહન રેડ્ડી, કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદીયુરપ્પા, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે અને કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સામેલ થયા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયા પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા. કોરોનાની ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાને મુખ્યમંત્રીઓની સાથે સંવાદનો પ્રારંભ કર્યો. આ અંગે થોડા દિવસો પહેલા તેઓએ પૂર્વોત્તરના દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કર્યો હતો.

(3:11 pm IST)