મુખ્ય સમાચાર
News of Friday, 16th July 2021

શ્રીનગરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા : અથડામણમાં ૨ આતંકીઓનો સફાયો : સર્ચ ઓપરેશન

આ વર્ષે ઘાટીમાં અત્યાર સુધીમાં ૭૮ આતંકીઓનો ખાતમો

શ્રીનગર,તા.૧૬:  જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અથડામણમાં બે આતંકીઓનો ખાતમો થયો છે. માર્યા ગયેલા બંને આતંકીઓ લશ્કર એ તૈયબાના હોવાનું કહેવાયું છે. સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ જોઈન્ટ ઓપરેશન ચલાવી રહી છે અને વિસ્તારમાં સર્ચ અભિયાન હજુ પણ ચાલુ છે.

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શુક્રવાર સવારે શરૂ થઈ હતી. અને વિસ્તારમાં હજુ પણ કેટલાક આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે. શ્રીનગરના દાનમાર વિસ્તારની આલમદાર કોલોનીમાં આતંકીઓ છૂપાયેલા હોવાની જાણકારી મળતા સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને દ્યેરી લીધો અને સર્ચ અભિયાન શરૂ કર્યું. ત્યારબાદ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ અને અથડામણ શરૂ થઈ.

જમ્મુ અને કાશ્મીર પોલીસના આઈજી વિજયકુમારે જણાવ્યું કે પોલીસે સુરક્ષાદળો સાથે મળીને આ વર્ષે કાશ્મીર દ્યાટીમાં અત્યાર સુધીમાં ૭૮ આતંકીઓનો સફાયો કર્યો છે. આ અથડામણોમાં મોટાભાગના આતંકવાદીઓ (૭૮માંથી ૩૯) પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર એ તૈયબા સાથે જોડાયેલા હતા. આ ઉપરાંત હિજબુલ મુજાહિદ્દીન, અલ બદ્ર, જૈશ એ મોહમ્મદ, અને અંસાર ગજવત ઉલ હિન્દના આતંકીઓ માર્યા ગયા છે.

(3:12 pm IST)