મુખ્ય સમાચાર
News of Friday, 16th July 2021

દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જેકલ જુમાન જેલમાં ગયા બાદ ફાટી નીકળેલા તોફાનને કાબુમાં કરવા સૈન્યને હવાલો સોંપાયોઃ ૨૫ હજાર સૈનિકોને તૈનાત કરાયા

૧૯૯૪ પછી પ્રથમ વખત આટલી મોટી માત્રામાં સૈનિકોની મદદ લેવાઇ

દક્ષિણ આફ્રિકામાં તોફાનો ફાટી નીકળ્યા પછી હિંસાને ડામવા માટે 25,000 સૈનિકોને તૈનાત કરાયા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ થાળે પાડવાનું કામ સૈન્યના જવાનોને સોંપવામાં આવ્યું હતું. 1994 પછી પહેલી વખત આટલી મોટી સંખ્યામાં સૈન્ય તૈનાત કરાયું છે.

દક્ષિણ આફ્રિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જુમાના જેલમાં ગયા બાદ તોફાનો ફાટી નીકળ્યા છે. અત્યાર સુધી 72 લોકોના મોત નિપજયાં છે. તોફાનીઓએ મોલ-દુકાનોમાં તોડફોડ મચાવી લૂંટફાટ ચલાવી છે ત્યારે પોલીસ-સેનાએ સ્થિતિ પર નિયંત્રણ મેળવવા ગોળીબાર કર્યો હતો. સ્થિતિ થાળે પાડવા માટે પોલીસની સાથે સૈન્યને પણ તૈનાત કરાયું છે.

1994 પછી પહેલી વખત હજારોની સંખ્યામાં સૈન્યના જવાનોને રસ્તા ઉપર ઉતારાયા હતા. 25,000 જવાનોને હિંસા રોકવા તૈનાત કરી દેવાયા છે. સૈનિકોને હિંસાના સ્થળોએ પહોંચાડવા માટે હેલિકોપ્ટર્સ, આર્મી વાહનોનો ઉપયોગ કરાયો હતો. તોફાનો ફાટી નીકળ્યા છે એ વિસ્તારોમાં ઠેર-ઠેર સૈનિકો ગોઠવાઈ જતાં સ્થિતિ થાળે પડે તેવી આશા બંધાઈ છે. હિંસક તોફાનોમાં કેટલાંય ગુજરાતીઓને ય નિશાન બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત ભરૂચ જિલ્લાના 60થી વધુ પરિવારો દક્ષિણ આફ્રિકામાં વેપાર અર્થે વસ્યા છે ત્યારે પરિવારજનો આફ્રિકા ફોન કરીને ખબરઅંતર પૂછી રહ્યાં છે. ગુજરાતીઓ અહી દુકાનો અને ગોડાઉન ધરાવે છે ત્યારે ગુજરાતીઓ ચિંતાતુર બન્યા છે. આ તરફ આફ્રિકામાં હિંસક તોફાનો વકર્યા છે ત્યારે ગુજરાતીઓની સલામતીને લઇને રાજય સરકાર પણ ચિંતાતુર બની છે.

રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે,આફ્રિકામાં જે રીતે હિંસક પરિસ્થિતિ સર્જાઇ છે ત્યારે વિદેશમંત્રી જયશંકરનું ધ્યાન દોરવામાં આવ્યુ છે અને ગુજરાતી પરિવારોની સલામતી જળવાય તે માટે સરકાર વતી રજૂઆત કરવામાં આવી છે. વિદેશમંત્રી જયશંકરે પણ આફ્રિકાના વિદેશમંત્રી સાથે આ મુદ્દે વાત કરી છે.

(5:24 pm IST)