મુખ્ય સમાચાર
News of Friday, 16th July 2021

નવજોત સિધ્ધુ નું પ્રદેશ અધ્યક્ષપદ ટલ્લે ચઢ્યું, સોનિયા ગાંધી નિર્ણય લેશે

નવજોત સિધ્ધુ સોનિયા ગાંધીને મળ્યા : અમરિન્દર સિંહ અને નવજોત સિદ્ધુ બંનેએ ગુરુવારે ચંડીગઢમાં પોતાના સમર્થકો સાથે બેઠક કરી હતી

નવી દિલ્હી, તા.૧૬ : પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ વચ્ચે રાજ્યના પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ શુક્રવારે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. પીટીઈઆઈના રિપોર્ટ મુજબ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના પંજાબ પ્રભારી હરીશ રાવત પણ હજાર રહ્યા હતા.

સોનિયા ગાંધી સાથે બેઠક બાદ હરીશ રાવતે કહ્યું કે હું અહીં પાર્ટી અધ્યક્ષને મારી નોટ જમા કરાવવા આવ્યો છું. જેવું મને પંજાબ કોંગ્રેસ અંગે તેમના નિર્ણય વિશે જાણવા મળશે, હું તમને (મીડિયા) બધાને જણાવી દઈશ. હરીશ રાવત હવે પોતાના જૂના નિવેદનથી પલટી ગયા છે. તેમણે કહી દીધુ કે પંજાબ અંગે નિર્ણય સોનિયા ગાંધી લેશે.

હરીશ રાવતે અગાઉ ગુરુવારે કહ્યું હતું કે હાઈકમાન્ડ એક એવા ફોર્મ્યૂલા પર કામ કરી રહી છે જેનાથી અમરિન્દર સિંહ અને સિદ્ધુ બંને ભેગા થઈને કામ કરે અને આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જીત અપાવે. અમરિન્દર સિંહ અને સિદ્ધુ બંનેએ ગુરુવારે ચંડીગઢમાં પોતાના સમર્થકો સાથે બેઠક કરી હતી. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે પાર્ટી સંગઠનમાં સિદ્ધુને મહત્વપૂર્ણ ભૂમિકા આપવાનો વિરોધ કર્યો છે જો કે રાવતે આવા અહેવાલો ફગાવ્યા છે.

અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક મહિનાથી પંજાબ કોંગ્રેસમાં કલેહ જાહેરમાં જોવા મળી રહી છે. પૂર્વમંત્રી નવજોત સિંહ સિદ્ધુ અને કેટલાક અન્ય નેતાઓએ મુખ્યમંત્રી અમરિન્દર સિંહ વિરુદ્ધ મોરચો  ખોલ્યો છે. પાર્ટીમાં કલેહ દૂર કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ મલ્લિકાર્જૂન ખડગેની અધ્યક્ષતામાં સભ્યોની સમિતિની રચના કરી હતી. સમિતિએ મુખ્યમંત્રી સહિત પંજાબ કોંગ્રેસના ૧૦૦થી વધુ નેતાઓના અભિપ્રાય લીધા અને રિપોર્ટ હાઈકમાન્ડને સોંપ્યો.

(7:15 pm IST)