મુખ્ય સમાચાર
News of Friday, 16th July 2021

ભારત-પાકિસ્તાનના વણસેલા સંબંધ માટે ઇમરાને સંઘને જવાબદાર ગણાવ્યું : ઇન્દ્રેશ કુમારનો પલટવાર: કહ્યું -પાકિસ્તાન પહેલેથી ઝેરીલું

તાલિબાન સાથેના પાકિસ્તાનના સબંધો વિશે પૂછયુ ત્યારે ઈમરાને જવાબ આપ્યા વિના ભાગવાનું પસંદ કર્યું

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સમગ્ર વિશ્વમાં આતંકવાદથી સૌથી વધુ પીડિત દેશ તરીકે ગણાવીને સહાનુભૂતિ મેળવી રહ્યા છે. જ્યારે ઉઝબેકિસ્તાનની બે દિવસીય મુલાકાતે આવેલા ઇમરાનને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મિત્રતા અંગે સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને((RSS) બદનામ કરવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, જ્યારે તેમને તાલિબાન સાથેના પાકિસ્તાનના સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઈમરાને જવાબ આપ્યા વિના ભાગવાનું વધુ સારું માન્યું હતું.

ઇમરાન ખાન મધ્ય અને દક્ષિણ એશિયાના દેશોના બે દિવસીય સંમેલનમાં ભાગ લેવા ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદ પહોંચ્યા છે. અહીં જ્યારે સમાચાર એજન્સીના પત્રકારે પૂછ્યું કે વાતચિત્ત અને આતંકવાદ એક સાથે થઈ શકે છે? આ ભારત તરફથી તમને સીધો સવાલ છે. તેનો જવાબ આપતાં ઈમરાને આરએસએસ પર ભારત અને પાકિસ્તાન વચ્ચેના વણસેલા સંબંધને જવાબદાર ઠેરવ્યું હતું.

આ બાદ પાકિસ્તાન વડા પ્રધાને કહ્યું હતું કે, અમે ભારત સાથે મિત્રતાની જેમ રહેવા માટે તૈયાર છીએ, પરંતુ આરએસએસની વિચારધારા વકછે આવી જાય છે. આ પછી જ્યારે પત્રકારે તાલિબાન વિશે પ્રશ્નો પૂછ્યા ત્યારે ઇમરાન જવાબ આપી શક્યા નહીં અને તે તુરંત જ ચાલતી પકડી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી રહ્યો છે.

આ બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંરક્ષક ઈન્દ્રેશ કુમારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને આડે હાથ લીધા છે. ઇન્દ્રેશ કુમારે કહ્યું કે ઇમરાન ખાનનું નિવેદન એ હકીકતનું પ્રતીક છે કે પાકિસ્તાન તેના જન્મથી જ ઝેરથી ભરેલા શાસકોનો દેશ છે. પાકિસ્તાનના લોકો શાંતિથી રહેવા માંગે છે, પરંતુ પાકિસ્તાનના શાસકો તેમના પોતાના દેશના દુશ્મન છે. 1971 માં તેની ઝેરી ભાવનાથી પાકિસ્તાન તૂટી ગયું અને બાંગ્લાદેશ તૂટી ગયું. હવે સિંધ, બલુચિસ્તાન, પખ્તુનિસ્તાન તેમના ઝેરી નિવેદનોને કારણે ફરીથી પાકિસ્તાનથી સંબંધ તોડીને આગળ વધી રહ્યા છે.

(12:57 am IST)