મુખ્ય સમાચાર
News of Tuesday, 16th August 2022

પનીર અને બિસ્કીટ જેવી ખાવાની બેઝિક ચીજો પર GST હોય તો લોકોના ખિસ્સામાં ફિલ્મ જોવાના પૈસા ક્યાંથી બચે ? : અનુરાગ કશ્યપ

દેશની આઝાદીને 75 વર્ષ થયા પરંતુ બોલીવુડ આઝાદ નથી થયું, લોકોને બોલીવુડમાં અટવાયેલા રાખી અસલી સમસ્યાઓથી વિમુખ કરવામાં આવી રહ્યા છે : અનુરાગ

મુંબઈ તા.16 : અનુરાગ કશ્યપ દરેક મુદ્દે બિન્દાસ બોલવા માટે જાણીતા છે. કેટલાય વાર તેમની વાતોનું લોકોને ખોટુ પણ લાગી જતું હોય છે. હાલમાં જ અનુરાગ કશ્યપ તાપસી પન્નૂ સાથે પોતાની આગામી ફિલ્મ દોબારાને લઈને ચર્ચામાં છે. અનુરાગને સાંભળવા અને તેમની ફિલ્મો જોવાનુ લોકો ખૂબ પસંદ કરે છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન ફિલ્મમેકરે હિન્દી ફિલ્મો ન ચાલવા પાછળનુ અનોખુ કારણ જણાવ્યું હતું. તેમણે આ વાત પોતાની રીતે સમજાવી હતી. 

અનુરાગ કશ્યપે કાહયું હતું કે, “દેશમાં પનીર અને બિસ્કીટ જેવી ખાવાની બેઝિક ચીજો પર જીએસટી હોય તો લોકોના ખિસ્સામાં ફિલ્મ જોવાના પૈસા ક્યાંથી બચે?”. અનુરાગ કશ્યપના કહેવા અનુસાર ખાદ્ય ચીજો પર જીએસટી જેવી બાબતો પર લોકોનું ધ્યાન ભટકાવવા માટે બોયકોટની ગેમ ખેલવામાં આવી રહી છે.

અનુરાગે કહ્યું હતું કે દેશની આઝાદીને 75 વર્ષ થયા પરંતુ બોલીવુડ આઝાદ નથી થયું.

અત્યારે અર્થતંત્રની હાલત બહુ ખરાબ છે તેના પરથી લોકોનું ધ્યાન વાળવા બોલીવુડ અને ક્રિકેટની જ ચર્ચા કરવામાં આવી રહી છે. લોકોને બોલીવુડમાં અટવાયેલા રાખી અસલી સમસ્યાઓથી વિમુખ કરવામાં આવી રહ્યા છે.

અનુરાગે બોલીવુડની ફિલ્મોની કન્ટેન્ટનો બચાવ કરતા કહ્યું હતું કે વાસ્તવમાં પરિસ્થિતિ એટલી ખરાબ પણ નથી કે જેવું ચિત્રણ કરવામાં આવી રહ્યું છે. એક કાલ્પનિક હાઉ ઉભો કરી ફિલ્મ સર્જકોને ડરાવવામાં આવી રહ્યા છે. સાઉથની જ ફિલ્મો હિટ થાય છે એવી એવી ખોટી છાપ ઊભી કરવામાં આવી છે. તપાસ કરો તો ખ્યાલ આવશે કે સાઉથમાં પણ બધી જ ફિલ્મો સુપરહિટ થઈ છે એવું નથી.

(7:42 pm IST)