મુખ્ય સમાચાર
News of Tuesday, 16th August 2022

બિલકિસ બાનુ સામૂહિક દુષ્કર્મ કેસમાં દોષી તમામ 11 કેદીઓને છોડી દેવાયા : જેલમાંથી બહાર આવતા જ મીઠાઇ ખવડાવી મો મીઠા કારવ્યા

ગોધરા જેલની બહાર આવ્યા તો તેમનું સ્વાગત મીઠાઇ ખવડાવીને કરવામાં આવતું હોવાનો વીડિયો પણ સામે આવ્યો : આરોપીઓની 2004માં થઈ હતી ધરપકડ

ગાંધીનગર : ચકચારી બિલકિસ બાનું કેસના આરોપીઓ એવા 11 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. CBI ની સ્પેશિયલ કોર્ટે આ આરોપીઓને આજીવન કેદની સજા કરી હતી. આ કેદીઓએ 18 વર્ષ જેલમાં સજા કાપ્યા બાદ સજા માફી માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેના અનુસંધાને સુપ્રીમ કોર્ટએ કેદીઓને મુક્ત કરવા ગુજરાત રાજ્ય સરકારને નિર્ણય લેવા જણાવ્યું હતું. જે આધારે રાજ્ય સરકારે કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો. 

જ્યારે કેદીઓ ગોધરા જેલની બહાર આવ્યા તો તેમનું સ્વાગત મીઠાઇ ખવડાવીને કરવામાં આવ્યુ હતુ, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઇ શકાય છે કે આ ઘટનામાં છોડવામાં આવેલા તમામ દોષીઓને મીઠાઇ ખવડાવવામાં આવી રહી છે.

ગુજરાત સરકારે પોતાની માફી નીતિ હેઠળ બિલકિસ બાનો ગેન્ગરેપ કેસમાં દોષી તમામ 11 કેદીઓને છોડવાની પરવાનગી આપી હતી. મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં 2002માં ગોધરા કાંડ થયો હતો. 3 માર્ચ 2002માં દાહોદ જિલ્લાના રંધિકપુર ગામમાં બિલકિસ બાનો સાથે ગેન્ગરેપ થયો હતો અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી.

જ્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો ત્યારે બિલકિસ બાનો પાંચ મહિનાની ગર્ભવતી હતી. ઘટનામાં રાધેશ્યામ શાહી, જસવંત ચતુર ભાઇ નાઇ, કેશુભાઇ વદાનિયા, બકાભાઇ વદાનિયા, રાજીવ ભાઇ સોની, રમેશ ચૌહાણ, શૈલેષ ભટ્ટ, બિપિન જોશી, ગોવિંદ ભાઇ નાઇ, મિતેશ ભટ્ટ અને પ્રદીપ મોઢિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. આરોપીઓની 2004માં ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદમાં ટ્રાયલ શરૂ થઇ હતી. જોકે, બિલકિસ બાનોએ આશંકા વ્યક્ત કરી હતી કે સાક્ષીને નુકસાન પહોચાડવામાં આવી શકે છે અને CBI દ્વારા ભેગા કરવામાં આવેલા પૂરાવાની છેડછાડ કરવામાં આવી શકે છે. એવામાં સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2004માં આ કેસને મુંબઇ ટ્રાન્સફર કરી દીધો હતો.

આ ઘટનામાં 21 જાન્યુઆરી 2008માં મુંબઇની એક વિશેષ સીબીઆઇ કોર્ટે 11 આરોપીને દોષી ગણ્યા હતા અને આજીવન કેદની સજા સંભળાવી હતી અને બાદમાં બોમ્બે હાઇકોર્ટે તેમની સજાને યથાવત રાખી હતી. આ દોષીઓને 18 વર્ષ કરતા વધુ સજા કાપી લીધી હતી જે બાદ રાધેશ્યામ શાહીએ કલમ 432 અને 433 હેઠળ સજાને માફ કરવા માટે ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હાઇકોર્ટે એમ કહેતા અરજી ફગાવી દીધી હતી કે તેમની માફી અંગે નિર્ણય કરનારી સરકાર મહારાષ્ટ્ર છે, ગુજરાત નથી.

રાધેશ્યામ શાહીએ ત્યારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી અને કહ્યુ કે તે 1 એપ્રિલ, 2022 સુધી વગર છૂટના 15 વર્ષ 4 મહિના જેલમાં રહ્યો. 13 મેએ સુપ્રીમ કોર્ટે કહ્યુ કે ગુનો ગુજરાતમાં કરવામાં આવ્યો હતો માટે ગુજરાત રાજ્ય રાધેશ્યામ શાહીના અરજીની તપાસ કરવા માટે ઉપયુક્ત સરકાર છે.

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 9 જુલાઇ 1992ની માફી નીતિ અનુસાર સમય પહેલા છોડવાની અરજી પર વિચાર કરવાનો આદેશ આપ્યો અને કહ્યુ કે બે મહિનાની અંદર નિર્ણય કરી શકાય છે. પંચમહાલ કલેક્ટર સુજલ માયાત્રાએ જણાવ્યુ કે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને તેમની સજામાં માફીના મુદ્દે ધ્યાન આપવાનો આદેશ આપ્યો હતો, જે બાદ સરકારે એક કમિટીની રચના કરી હતી અને આ પેનલની અધ્યક્ષતા કલેક્ટરે કરી હતી.

(8:27 pm IST)