મુખ્ય સમાચાર
News of Tuesday, 16th August 2022

શોપિયાંમાં થયેલ બે કાશ્મીરી પંડિતો પર હુમલોની જવાબદારી આતંકવાદી સંગઠન KFFએ લીધી

કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધી : સુનીલ ત્રિરંગા રેલીમાં ગયો હતો તેથી તેની હત્યા કરાઈ હોવાનું સંગઠનનું કહેવું

નવી દિલ્લી : કાશ્મીર ફ્રીડમ ફાઈટર્સ આતંકવાદી સંગઠન, લશ્કર-એ-તૈયબા (LET)ની એક શાખાએ કાશ્મીરી પંડિત સુનીલ કુમાર ભટના મૃત્યુના કલાકો પછી એક નિવેદન બહાર પાડ્યું છે. જેના દ્વારા આતંકી સંગઠને આ હત્યાકાંડની જવાબદારી લીધી છે. પત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે, ત્રિરંગા યાત્રામાં લોકોને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરનારા કાશ્મીરી પંડિત ભાઈઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. 

જયારે કાશ્મીરી પંડિત પિન્ટુ કુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકવાદી સંગઠન KFFએ આ હુમલાની જવાબદારી લીધી છે. આતંકવાદી સંગઠનનું કહેવું છે કે સુનીલ ભટ્ટ તિરંગા રેલીમાં ગયા હતા તેથી તેમની હત્યા કરવામાં આવી. જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસના દિવસે આતંકવાદીઓએ બે જગ્યાએ ગ્રેનેડ હુમલા કર્યા હતા. થોડા દિવસો પહેલા બડગામમાં એક એન્કાઉન્ટર દરમિયાન આતંકવાદી લતીફ રાથર માર્યો ગયો હતો. આ પછી બીજી વખત આતંકવાદીઓ દ્વારા નાગરિક પર હુમલો કરવામાં આવ્યો.
કહેવામાં આવી રહ્યું છે કે સુનીલ પર હુમલો કરતા પહેલા આતંકીઓએ તેનું નામ પૂછ્યું અને પછી તેની હત્યા કરી દીધી. ઘટના બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સુનીલ ભટ્ટને ચાર દીકરીઓ છે જેની હાલત ખરાબ છે. સુનીલની હત્યાએ સમગ્ર પરિવારને હચમચાવી દીધો છે. સુનીલના પાડોશીએ જણાવ્યું કે તે તેના ભાઈ પિન્ટુ સાથે બગીચામાં કામ કરતો હતો. આ પછી આતંકવાદીઓ તેની પાસે આવ્યા અને તેનું નામ પૂછ્યું. ત્યારબાદ આતંકીઓએ ગોળીબાર કર્યો. એક ગોળી પિન્ટુને પણ લાગી હતી. લોકોનું કહેવું છે કે જે રીતે હુમલો કરવામાં આવ્યો છે તેના પરથી લાગે છે કે ઘણા દિવસોથી તેની ગણતરી કરવામાં આવી રહી હતી.

ભાજપના નેતા નિર્મલ સિંહે કહ્યું કે, આતંકવાદીઓએ ફરી એકવાર કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે. સુનીલ કુમાર પોતાનું કામ કરી રહ્યા હતા, તેમ છતાં આતંકવાદીઓએ તેમને મારી નાખ્યા પરંતુ તેઓ તેમના મનસૂબામાં સફળ થઈ શકશે નહીં. પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. કેન્દ્ર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના લોકો સરકારના નિર્ણયોને કારણે જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

કાશ્મીરમાં આ દિવસોમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધી છે. 12 મેના રોજ સરકારી કર્મચારી કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા કરવામાં આવી હતી. આ પછી 17 મેના રોજ બારામુલ્લામાં 52 વર્ષીય વેપારીની હત્યા કરવામાં આવી હતી. 25 મેના રોજ બડગામમાં ટીવી એક્ટ્રેસ અમરીન ભટ્ટની હત્યા કરવામાં આવી હતી. 31 મેના રોજ કુલગામમાં શિક્ષિકા રજની બાલાને નિશાન બનાવવામાં આવી હતી. 2 જાન્યુઆરીએ બડગામમાં 17 વર્ષીય પરપ્રાંતિય મજૂરની હત્યા કરવામાં આવી હતી. 4 ઓગસ્ટે, કલમ 370 નાબૂદીની વર્ષગાંઠના એક દિવસ પહેલા, બિહારના એક પરપ્રાંતિય મજૂરની પુલવામામાં હત્યા કરવામાં આવી હતી.

 

(12:12 am IST)