મુખ્ય સમાચાર
News of Tuesday, 16th August 2022

એકનાથ શિંદેએ પોતાના મંત્રીઓને કરેલી ખાતાંની વહેંચણી સામે તેમના જ જૂથના ધારાસભ્યોમાં ભારે અસંતોષ

ભાજપને મહત્વનાં મંત્રાલય અપાતા શિંદે જુથ્થનાં મંત્રીઓ નારાજ : કહ્યું - ઉધ્ધવ સરકારમાં તેમની પાસે વધારે મહત્વનાં ખાતાં હતા

મુંબઈ તા.16 : મહારાષ્ટ્ર સરકારમાં નવી મુશ્કેલી સર્જાતી જોવા મળી રહી છે. શિવસેનાએ ધારાસભ્યોના વિભાગોને લઈને ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે. શનિવારે મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિંદે જૂથના માત્ર કેટલાક ધારાસભ્યો જ પોર્ટફોલિયોથી ખુશ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટાભાગના ધારાસભ્યો ‘ડિમોશન’થી નારાજ છે. અહેવાલ છે કે, દાદા ભૂસે અને સંદિપનરાવ ભુમરેએ સરકારમાં તેમના વિભાગો વિશે ફરિયાદ કરી છે. આ ઉપરાંત સિલ્લોડના ધારાસભ્ય અબ્દુલ સત્તારને કૃષિ મંત્રાલય આપવામાં આવતા કેટલાક સભ્યો પણ નારાજ હોવાનું જાણવા મળે છે.

દાદા ભૂસે અને સંદીપનરાવ ભૂમરેએ પોતાને અપાયેલાં મંત્રાલય મુદ્દે શિંદે સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હોવાનો સૂત્રોનો દાવો છે. અબ્દુલ સત્તારને કૃષિ મંત્રી બનાવાયા તેની સામે પણ શિવસેનાના શિંદે જૂથમાં ભારે નારાજગી છે.

શિંદેએ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મહત્ત્વપૂર્ણ ગૃહ મંત્રાલય ઉપરાંત નાણા અને યોજના, કાયદા-ન્યાય, જળ-સંસાધન, ઊર્જા અને પ્રોટોકોલ વિભાગ પણ આપ્યા છે. તેના કારણે શિંદે જૂથના ધારાસભ્યોને લાગે છે કે, સરકારનું અસલી સ્ટીયરિંગ ફડણવિસ પાસે જતું રહ્યું છે. શિંદેએ શહેરી વિકાસ વિભાગ સહિત 11 વિભાગો પોતાની પાસે રાખ્યા છે પણ બાકી રહેલાં મહત્વનાં મોટા ભાગનાં મંત્રાલય ભાજપને મળ્યાં છે.

(12:13 am IST)