મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

સોની વેપારીઓની હાલત કફોડી : ધંધો ઘટીને માત્ર ૧૬%

દિલ્હીમાં વર્ષે ૬ લાખ કરોડનો વેપાર થાય છે તેના બદલે હવે માત્ર ૧ લાખ કરોડનો : વેપારીઓ ટેક્ષમાં રાહત માંગી રહ્યા છે : ટર્નઓવર પર માત્ર એક ટેક્ષ લેવાની માંગણી

નવી દિલ્હી તા. ૧૬ : પાટનગર દિલ્હીમાં સોનાનો ઉદ્યોગ કે ઘરેણા બનાવવાનો વાર્ષિક ૬ લાખ કરોડ રૂપિયાનો વેપાર છે પરંતુ કોરોના મહામારીને કારણે તે ઘટીને માત્ર ૧ લાખ કરોડ રહી ગયો છે.

સોનાના વેપારીઓની આવક છેલ્લા ૪ મહિનાથી સતત ઘટી છે પરંતુ તેઓની ઉપર ખર્ચ અને લોનનો બોજો વધી રહ્યો છે. સોનાનો કારોબાર ઠપ્પ થવાના આરે છે. આ ઉપરાંત તેઓએ વેપારમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે પરંતુ વળતર મળતું નથી.

સોનાના વેપારીઓના જણાવ્યા પ્રમાણે સાર્વજનિક પરિવહન સીમીત સંખ્યામાં છે. મોટાભાગની ટ્રેનો બંધ છે તેથી બીજા રાજ્યોના વેપારી દિલ્હી આવતા નથી. માંડ ૧૦ ટકા કારીગરો સાથે કામ ચાલી રહ્યું છે. વેપારી વર્ગ નુકસાનીમાં છે, જેના પેમેન્ટ ફસાયા છે. પૈસા માગવા મામલે ઝગડા થઇ રહ્યા છે. રોકાણની રકમ ફસાઇ ગઇ છે અને રિર્ટન મળતું નથી. એવામાં ખર્ચ ચાલુ છે જે ધંધાને બચાવવા માટે જરૂરી છે.

વેપારીઓના જણાવ્યા પ્રમાણે વિવિધ સરકારી એજન્સીઓ નિયમો દર્શાવીને કાર્યવાહી કરી રહી છે. અનેક પ્રકારના ટેક્ષ ભરવા પડી રહ્યા છે. સરકારે ફકત એક ટેક્ષ સમગ્ર વર્ષના ટનઓર્વર પર લેવો જોઇએ કે જેથી વેપારીઓને રાહત થાય. વેપારીઓની માંગણી છે કે જ્વેલરી પાર્ક બનવા જોઇએ. ટેક્ષ પ્રક્રિયા સરળ થવી જોઇએ.

(10:27 am IST)